ગેરકાયદે બાંધકામના કેસોમાં અદાલતોએ કડક વલણ અપનાવવું જોઈએ : SC

ઇમ્પેક્ટ ફીના કાયદા સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી
કાયદાનું અનાદર કરતાં લોકોનું રક્ષણ કરવા કાયદો ઘડવામાં આવે તો કાયદાનો કોઇ અર્થ રહેશે નહીં
નવી દિલ્હી,ગેરકાયદે બાંધકામના કેસોમાં કડક અભિગમ અપનાવવાની અદાલતોને તાકીદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામના કેસોમાં કાર્યવાહી કરતી વખતે અદાલતોએ કડક વલણ અપનાવવું જોઈએ અને સક્ષમ અધિકારીની જરૂરી પરવાનગી વગર બાંધવામાં આવેલી ઇમારતોને ન્યાયિક રીતે નિયમિત કરવી જોઇએ નહીં. ન્યાયાધીશ જે બી પારડીવાલા અને આર મહાદેવનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે કાયદાએ એવા લોકોના બચાવમાં આવવું જોઈએ નહીં, જેઓ તેનો ભંગ કરે છે, કારણ કે તેનાથી સજામુક્તિનું કલ્ચર વિકસી શકે છે.
તેથી ગેરકાયદેસર બાંધકામના કેસોમાં કાર્યવાહી કરતી વખતે અદાલતોએ કડક વલણ અપનાવવું જોઈએ. કાયદાના શાસનને જાળવી રાખવાની કોર્ટની પવિત્ર ફરજમાંથી મક્કમ વલણ જાળવવાની જરૂરિયાત ઉદભવે છે. સર્વાેચ્ચ અદાલતે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે ગેરકાયદે બાંધકામ થયા છે તેવા કેટલાંક માળ તોડી પાડવા કોલકાતા મ્યુનિસિપલ કોર્પાેરેશનને આદેશ આપ્યો હતો. ૩૦ એપ્રિલે આપેલા આદેશમાં સર્વાેચ્ચ અદાલતે જાહેર હિતમાં પોતાના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટે જે હિંમત અને દૃઢતા સાથે કાર્યવાહી કરી તેની પ્રશંસા કરી હતી.
અરજદારો તરફથી હાજર રહેલા વકીલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે તેમના ક્લાયન્ટને અનધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે અરજી કરવાની તક આપવી જોઈએ. જોકે સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અમને આવી રજૂઆતમાં કોઈ યોગ્યતા દેખાતી નથી. જે વ્યક્તિને કાયદા પ્રત્યે કોઈ માન નથી તે વ્યક્તિને બે માળનું અનધિકૃત બાંધકામ નિયમિત કરવાની મંજૂરી આપી શકાય નહીં. આ મામલો કાયદાના શાસન સંબંધિત છે અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા જ જોઇએ.
ન્યાયિક મુનસફી માટે કોઇ રસ્તો નથી. અદાલતો કાયદાકીય બંધનોથી મુક્ત નથી. ન્યાય કાયદા અનુસાર જ આપવો જોઈએ. ખંડપીઠે જણાવ્યું હતું કે અમને એ જોઈને દુઃખ થાય છે કે ઘણી રાજ્ય સરકારો ઇમ્પેક્ટ ફીની ચુકવણીના આધારે અનધિકૃત બાંધકામને નિયમિત કરવાના કાયદા ઘડે છે. જો કાયદાનું અનાદર કરતાં લોકોનું રક્ષણ કરવા કાયદો ઘડવામાં આવે તો કાયદાનો કોઇ અર્થ રહેશે નહીં.ss1