ગેરકાયદે બાંધકામો પર હવે ક્યારે હથોડો વીંઝાશે?
આચારસંહિતા ઊઠી ગયા બાદ પણ તંત્ર હજુ નિષ્ક્રિય બેઠું હોઇ વિવાદ ઊઠ્યો
અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદની સૌથી મોટી સમસ્યા દિન-પ્રતિદિન વધતાં જતાં ગેરકાયદે બાંદકામોના રાફડેરાફડા છે. શહેરમાં અનેક સ્થળોએ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને બિલ્ડર માફિયાની ત્રિપુટી ખુલ્લેઆમ ગેરકાયદે બાંધકામોને ઉત્તેજન આપી રહ્યા છે.
ખમાસા-દાણાપીઠની આસપાસ જ મધ્ય ઝોનના એસ્ટેટ-ટીડીઓ વિભાગના ભ્રષ્ટ સ્ટાફના કારણે ગેરકાયદે બાંધકામો થઇ ગયા છે. રાજ્ય સરકારની ઇમ્પેક્ટ ફીની અમલવારી બાદ પણ આ પ્રવૃત્તિ અટકી નથી. ચૂંટણીના કારણે સત્તાવાળાઓએ ગેરકાયદે બાંધકામો પર હથોડા વીંઝવાનું બંધ કર્યું હતું, જાેકે ચૂંટણી પતી ગઇ છે અને ફરીથી ભાજપે ચોથી ટર્મ માટે સત્તા પણ સંભાળી લીધી છે.
ચૂંટણીની આચારસંહિતા પણ ઊઠી ગઇ છે તેમ છતાં એકપણ ગેરકાયદે બાંધકામને તોડી પાડવા તંત્રે હજુ હથોડો વીંઝ્યો ન હોઇ આ બાબત વિવાદાસ્પદ બની છે. શહેરીજનોને કનડતી સૌથી મોટી સમસ્યામાં ગેરકાયદે બાંધકામોનો સમાવેશ થાય છે.
આખેઆખી ગેરકાયદે સોસાયટી કે મલ્ટિ કમ્પ્લેક્ષ ઊભા કરી દેવા કે પછી તંત્રના રિઝર્વ્ડ પ્લોટ પર કબજાે જમાવી દેવો કે ટીપી રસ્તા પર ગેરકાયદે દુકાન, ઓટલા, શેડ બાંધીને રસ્તાને સાંકડો કરી દેવો વગેરે બાબતોથી તંત્ર વાકેફ છે, પરંતુ સામાન્ય નાગરિક સંતાનના લગ્નના કારણે તેના મકાનની ડિઝાઇનમાં આંશિક ફેરફાર કરે, ટોઇલેટની જગ્યા આગળ- પાછળ કરે કે પછી બેડરૂમ સાથે એટેચ કરે કે દીવાલ કરીને નાના રૂમ બનાવે કે માળિયું ઉભું કરે તો પણ તંત્ર નોટિસ ફટકારીને તોડવા દોડી જાય છે, પરંતુ અન્ય ગેરકાયદે બાંદકામોમાં કટકી મળતી હોઇ ત્યાં સિફ્તપુર્વક મૌન પાળે છે.
ગત તા.૨૬ ફેબ્રુઆરીએ ચૂંટણીની આચારસંહિતા ઊઠી ગઇ છે. એટલે હવે સત્તાવાળાઓ ગેરકાયદે બાંધકામો પર ત્રાટકીને તેનો સફાયો બોલાવી શકે છે. અગાઉ ચૂંટણી જાહેર થવાથી એસ્સેટ વિભાગ નવરોધૂપ થઇને વેકેશનના મૂડમાં આવી ગયો હતો.
ચૂંટણી દરમિયાન ગેરકાયદે બાંધકામો તોડવા જઇએ તો મતદારો નારાજ થશે એવો ડર એસ્સેટ વિભાગમાં જાેવા મળ્યો હતો. જાેકે ઉપરથી પણ દબાણ આવતાં તંત્રે ઓપરેશન ડિમોલિશનને સાવ બંધ કરી દીધું હતું. કોરોના મહામારીના સમયે મ્યુનિ. વહીવટીતંત્રે કોરનાના લક્ષણ તરફથ જ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
એસ્ટેટ વિભાગનો સ્ટાફ પણ કોરોનાની કામગીરીમાં રોકાયો હતો અટલે આ મોકાનો ફાયદો ઉઠાવીને શહેરમાં ગેરકાયદે બાંધકામોની પ્રવૃત્તિ ફૂલી-ફાલી હતી. મધ્ય ઝોન અને નારોલથી નરોડાના પટ્ટામાં તેમજ નવા વિકસિત થતા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોની પ્રવૃત્તિએ માઝા મૂકી હતી. એટલે સત્તાધીશોએ આ વિસ્તારોમાં વિશેષ સરવે હાથ ધરીને કોરોના સમયકાળમાં બંધાયેલાં ગેરકાયદે બાંધકામોને શોધી કાઢવા જાેઇએ. આ માટે વિશેષ અભિયાન હાથ ધરવુ જાેઇએ તેવી પણ માગણી ઉઠી છે.