ગેરકાયદે વાવેતર કરવાના કિસ્સામાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
૭/૧રના ઉતારામાં નામ ન હોવા છતાં વાવેતર કરતાં મૂળ વારસદારો પોલીસમાં પહોંચ્યા
મોડાસા, મોડાસા તાલુકાના દલીપુર ગામે બે શખસોના ૭/૧રના ઉતારામાં કોઈ નોંધ કે કબજાે ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ખેતરમાં પ્રવેશી કબજાે જમાવી વાવેતર કરવાના ગુનામાં કરાયેલ ફરિયાદને લઈ પોલીસે બે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે પ્રાંત અધિકારી અધિક સચિવ અને મામલતદાર કચેરી સુધી લડત ચાલી છે.
કપડવંજ તાલુકાના અબવેલ ગામના ફરિયાદીની ફરિયાદ બાદ મોડાસા રૂરલ પોલીસે દલીલપુર ગામના બંને આરોપી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ અને ઈન્ડીયન પીનલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે વિરૂબેન અમરાજી પરમારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓના દાદા કેશાજી ગોબરજી પરમાર અને તેઓના ભાઈ ગલબાજી પરમાર કોલીખડ ગ્રુપ ગ્રામ પંચાયતના દલીલપુર ગામે ખાતા નંબર ૧૪૮ના સર્વે નં ૧૦રની જુની શરતની જમીન આવેલી છે. તે ૧-૧૭-પ૦ હેકટર જમીન છે.
આ ખેત જમીન મુળ તલોદ તાલુકાના આગપુર ગામના કેશાજી ગોબરજી પરમારની હોઈ વારસાઈ અને અન્ય મુદ્દે કરાયેલ કોર્ટ કાર્યવાહી બાદ વારસાઈથી અબવેલ ગામના નીરૂબેન અમરાજી પરમારના નામે થઈ છે. આ વડીલોપાર્જિત જમીનમાં દલીલપુર ગામના બે શખ્સો ગેરકાયદેસર પ્રવેશ કરી વાવેતર કરતા હતા.
જેની જાણ નીરૂબેન પરમારને થતાં તેઓ ફરિયાદી બની સામાવાળા દિલીપભાઈ જવાનજી તરાર અને તરાર અમરાજી સોમાજીનાઓ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ કરતા પોલીસે ગુજરાત રાજયમાં તાજેતરમાં પસાર કરેલ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતી વિષયક જમીનમાં ગેરકાયદે પ્રવેશી ગેરકાયદેસર કબજાે કરતા વારસાઈથી જમીન માલિક તરીકે અધિકાર મેળવનાર ફરિયાદીની અરજી મંજુર રખાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.