ગેરસમજણનું નિરાકરણ જરૂરી
ગેરસમજથી પથરો મીઠાં સંબંધની શાંત પાણીમાં પડતાં મનમાં વમળરૂપી તોફાની વિચારોની શરૂઆત થાય છે અને માનવીય સંબંધરૂપી કાચની જેમ ચૂરેચૂરા થયા વિના રહેતો નથી. ગેરસમજ થતાં નજદીકના માણસો ક્યાં ને ક્યાં દૂર થઈ જતાં વાર લાગતી નથી.
મિત્રોમાં ગેરસમજ ઉભી થતાં જાે ગેરસમજ દૂર ન થાય તો મિત્રો એક બીજાનાં શત્રુ બની જાય છે. દંપતિમાં ગેરસમજ ઉભી થતાં જાે સમજાવટથી ઉકેલ ન આવે તો પતિ પત્નિના સંબંધમાં તિરાડ પડે છે. પરિવારમાં ગેરસમજ ઉભી થતાં સભ્યોમાં સંબંધ બગડતાં વાર લાગતી નથી.
ભાગીદારોમાં વિશ્વાસ્વરૂપી સ્થંભ તૂટતા અને ગેરસમજ થતાં ને તેનું નિવારણ ન કરાતાં ભાગીદારીનો અંત આવવામાં વાર લાગતી નથી. વ્યવસાય કે કારખાનાનાં માલિક- મજૂરોમાં, શેઠ તથા ગુમાસ્તામાં ગેરસમજ થતાં અને એનો ઉકેલ ન આવતાં હડતાલ પણ પડી શકે છે.
જ્યારે ગેરસમજ થઈ હોય એવું લાગે તો તરત જ તેનું નિવારણ લાવવા પ્રયત્ન કરવો જાેઈએ જેથી તેનો ઉકેલ તરત લાવી શકાય અને વધું ગેરસમજ ન થાય ને સમસ્યા ઉભી થઈ હોય તો તેનો નિવેડો લાવી શકાય.
માનવી પોતે સમજવામાં ભૂલ કરે અને મનમાં વિચારોના વમળમાં ફસાઈને કોઈના માટે ગ્રંથિ બાંધે તો તે માનવી પોતે જ પોતાના પગ પર કુહાડી મારે છે. જાે પોતાને લાગે કે કોઈ ગેરસમજ ઉભી થઈ છે તો તરત જ તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જાેઈએ. મનમાં ને મનમાં ગેરસમજ રહેવા દેતા મત-ભેદ થાય છે જે અંતે મન-ભેદમાં પરિણમે છે.
જ્યારે ગેરસમજ દૂર નહી કરાય ત્યારે વહેમનો કીડો મનમાં સળવળતો રહે છે. જેવી રીતે અલસરનો અકસીર ઈલાજ ન થાય તો કેન્સરનો રોગ ઉદ્ ભવે છે તેવી જ રીતે ગેરસમજ દૂર ન થાય ત્યારે મનમાં ઉધઈરૂપી શંકાનું ઘર બની જાય છે અને તેથી ગેરસમજની ચોખવટ તરત કરી દેવી જાેઈએ.
ગમે તેની જાેડે ગમે ત્યારે ગેરસમજ થઈ શકે છે ત્યારે નિખાલસતાથી તે દૂર કરવા પ્રયત્ન કરવો જાેઈએ જેથી સંબંધ જળવાઈ રહે છે.
શંકાશીલ સ્વભાવ ગેરસમજ વધારવામાં કારણભૂત બને છે. ગેરસમજ દૂર ન કરાતાં પોતે જીવનમાં કાંઈક ગુમાવતો રહે છે જેથી ગેરસમજ થતા જાે સમજાવટ કરવામાં આવે તો તેનું નિવારણ થઈ જાય છે. ગેરસમજને દૂર કરવાથી નિરાશા કદી આવતી નથી. ગેરસમજ થતા એનો નિવેડો ન લેવાય તો શરીર તથા મન પર પણ અસર થઈ શકે જેથી એનું નિવારણ તાકીદે લાવવું જરૂરી છે. ગેરસમજને દૂર કરવાથી નિરાશા કદી આવતી નથી.