ગેસના બાટલામાંથી ભડકો થતાં દાઝી ગયેલી મહિલાનું મોત
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં થોડા દિવસ પહેલા ઘરમાં ગેસનો બાટલો ચેક કરવા જતાં તેમાં આગ ભભૂકી ઉઠી હતી જેના પરિણામે એક મહિલાનું ગંભીર રીતે દાઝી જવાથી હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. રામોલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ગોકુલનગર પાછળ આવેલા લક્ષ્મીનગરમાં રહેતા રમીલાબેન રાજુભાઈ પંચાલ થોડા દિવસ પહેલા પોતાના ઘરમાં જ રસોઈ બનાવી રહયા હતા .
આ દરમિયાન સાંજના સમયે ચાલુ ગેસનો બાટલો ચેક કરવા જતાં અચાનક જ તેમા ભડકો થયો હતો અને આગ ફાટી નીકળી હતી જેના પરિણામે રમીલાબેન આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતાં આગની આ ઘટનાથી આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રમીલાબેનને તાત્કાલિક સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલમાં રમીલાબેનની હાલત વધુને વધુ નાજુક બનતી જતી હતી
આખરે ગઈકાલે બપોરના સમયે રમીલાબેનનું મૃત્યુ નીપજયું હતું આ ઘટનાથી તેમના પરિવારજનો ખુબ જ વ્યથિત બની ગયા હતા આ અંગે રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.