ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક ઉપર નેશનલ કોન્ફરન્સનું આયોજન
નિષ્ણાત તબીબો દ્વારા લાઇવ વર્કશોપ- દેશમાંથી આશરે ૬૦૦થી વધુ તબીબી સર્જનો અને નિષ્ણાત તજજ્ઞો ઉમટ્યા
અમદાવાદ, અમદાવાદ શહેરમાં આજે ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક પ્રોસીજર્સ વિષય પર અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે નેશનલ કોન્ફરન્સ યોજાવામાં આવી હતી. બહુ મહત્વની અને સૌપ્રથમવાર યોજાયેલી આ ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક પ્રોસીજર્સ અંગેની નેશનલ કોન્ફરન્સમાં ભારતભરમાંથી આશરે ૬૦૦થી વધારે તબીબી સર્જનો ભાગ લેવા આવ્યા હતા. કોન્ફરન્સ દરમ્યાન નિષ્ણાત તબીબોએ લાઇવ વર્કશોપ યોજી આ વિષય સંબંધી બહુ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડયા હતા.
દેશમાં સૌપ્રથમવાર અમદાવાદમાં યોજાયેલી આ ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક પ્રોસીજર્સ નેશનલ કોન્ફરન્સ અંગે ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક સર્જરી ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞ પ્રો. ગોન્ટ્રાન્ડ લોપેઝ-નાવા, ડો. રૂપેશ મહેતા અને ડો. સંજય રાજપુતે જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા ૨૦૧૬નાં અહેવાલ અનુસાર વિશ્વમાં સૌથી વધુ મેદસ્વીતા ધરાવતા દેશમાં ભારતનો ત્રીજો નંબર છે. ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક સર્જરીમાં જવલ્લે જ કોઈ કોમ્પલીકેશન જોવા મળે છે. ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક સર્જરીમાં દર્દીને સવારે દાખલ કરવામાં આવે છે. જનરલ એનેસ્થેસિયા આપ્યા બાદ દર્દી પર એક કલાક અથવા દોઢ કલાકની પ્રોસીજર ચાલે છે, તે ડે- કેર પ્રોસીજર છે.
ગેસ્ટ્રોસ્ક ોપિક બેરિયાટ્રીક સર્જરીની શરૂઆત છેલ્લા કેટલાક વર્ષોમાં સ્પેન, બ્રાઝિલ, યુએસએ અને યુરોપમાં થઈ હતી. પ્રો. ગોન્ટ્રાન્ડ લોપેઝ-નાવા, ડો. રૂપેશ મહેતા અને ડો. સંજય રાજપુત સહિતના નિષ્ણાત તજજ્ઞો દ્વારા આજે અમદાવાદમાં લાઈવ ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રીક પ્રોસીજર પરફોર્મ કરવામાં આવ્યુ હતું. તેમણે ઉમેર્યું કે, આ એક સરળ, બિનજાખમી અને અસરકારક સારવાર છે, જેનાથી વ્યકિતનું મેદસ્વીતાપણું બહુ ઝડપથી અને ભારે અસરકારકતાથી ઘટાડી શકાય છે. વ્યકિતનું મેદસ્વીતાપણું ઘટવાની સાથે સાથે તેને ડાયાબિટીસ, હાયપર ટેન્શન, હાર્ટ એટેક સહિતની અન્ય બિમારીઓમાં પણ રાહત અને મદદ મળી રહે છે.
પ્રો. ગોન્ટ્રાન્ડ લોપેઝ-નાવા સ્પેનની એચએમ સાંચિનારો યુનિવર્સિટી હોસ્પિટલ માડ્રીડમાં બેરિયાટ્રીક એન્ડોસ્કોપી યુનિટનાં સ્થાપક અને સિનિયર કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ છે. તેઓ માડ્રીડની હોસ્પિટલ ક્લીનીકો સાન કાર્લોસ અને હોસ્પિટલ સાન રાફેલમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ તરીકે સેવાઓ આપી ચુક્યા છે. તો, ડો. રૂપેશ મહેતા અમદાવાદની મહેતા હોસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટ્રિક અને જીઆઈ સર્જન છે.
તેઓ અમદાવાદની શેઠ વી.એસ. જનરલ હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ ઓફ સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીનાં ભૂતપૂર્વ વડા તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ ઈન્ટરનેશનલ હિપેટો પેન્ક્રીયાટો બિલિયરી એસોસિએશનનાં ઈન્ડિયા ચેપ્ટરનાં પ્રેસિડેન્ટ હતાં. ચાર દાયકાથી પણ વધુ સમયનો બહોળો અને પ્રેરણારૂપ એનડોસ્કોપિક અને જીઆઈ સર્જિકલ અનુભવ ધરાવતા ડો. રૂપેશ મહેતાએ સ્લીવ ગેસ્ટ્રોપ્લાસ્ટી પર ધ્યાન કેન્દ્રિત કરતી ગેસ્ટ્રોસ્કોપીક બેરિયાટ્રીક પ્રોસીજર શરૂ કરી છે.
જયારે ડો. સંજય રાજપુત અમદાવાદની અંશ ક્લીનીક અને શુભમ ક્લીનીકમાં કન્સ્લટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ, હિપેટોલોજીસ્ટ અને એન્ડોસ્કોપિસ્ટ તરીકે કાર્યરત છે. તેઓ અમદાવાદની સાલ હોસ્પિટલ, ર્સ્ટલિંગ હોસ્પિટલ, એપોલો હોસ્પિટલ અને શેલ્બી હોસ્પિટલમાં વિઝિટિંગ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ તરીકે પણ સેવાઓ આપે છે. ડો. સંજય રાજપૂતે ૪૦,૦૦૦થી પણ વધુ ડાયગ્નોસ્ટીક અને થેરાપ્યુટિક એન્ડોસ્કોપીક પ્રોસીજર્સ પરફાર્મ કરી છે.
તેઓ ડાયગ્નોસ્ટીક અને થેરાપ્યુટિક બિલિયરી અને પેન્ક્રીયાટીક ઈઆરસીપી બિલિયરી, ઈસોફેજીએલ એન્ડ એન્ટ્રીયલ સ્ટેન્ટ પ્લેસમેન્ટસ તેમજ પીઈજી અને એનજેટી જેવા ફિડીંગ ટ્યુબ પ્લેસમેન્ટસનો બહોળો અનુભવ ધરાવે છે. આ તમામ નિષ્ણાતો સહિત દેશના ૬૦૦થી વધુ તબીબી સર્જનોએ ઉત્સાહભેર ભાગ લઇ કોન્ફરન્સને સફળ બનાવી હતી.