ગેસ લિમિટેડ કંપનીએ પ્રતિ યુનિટ રૂપિયા ૩.૪૫નો કર્યો ભાવ વધારો
વડોદરા, જીવનજરૂરી ચીજવસ્તુઓના ભડકે બળતા ભાવવધારાને પગલે મોંઘવારીએ માઝા મૂકી છે આવી સ્થિતિ વચ્ચે વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ વધુ એક વખત ગેસના ભાવમાં વધારો કરતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. ગેસ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવેલા ભાવવધારાને લીધે પાઇપ લાઈનથી ગેસ મેળવતા ગ્રાહકોને આ ર્નિણયની સિધી અસર પડશે.
ગેસ લિમિટેડ કંપની દ્વારા ગેસના ભાવમાં યુનિટ દીઠ રૂ.૩.૪૫ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવવધારાની અમલવારી બાદ ગ્રાહકોએ રૂ.૪૩.૭૦ પૈસાની જગ્યાએ હવે યુનિટ દીઠ રૂ.૪૭.૧૫ ચુકવવા પડે તેવી નોબત આવશે. ઉલ્લેખનિય છે કે, ધીમા ઝેરના વધુ એક ડોઝ સમાન આ ભાવ વધારાને લઈને બે માસમાં ગેસના ભાવમાં પ્રતિ યુનિટે રૂ.૧૬.૧૫ નો વડોદરાવાસીઓને ધગધગટો ડામ દેવામાં આવ્યો છે.
અગાઉ પહેલી એપ્રિલે ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. રાંધણ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂપિયા ૭નો મસમોટો વધારો ઝીંકી દેવાતા ગૃહિણીઓના બજેટ પર તેની સીધી અસર જાેવા મળી રહી હતી.એપ્રિલ માસમાં વડોદરામાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ઘરેલું ગેસના ભાવમાં વધારો કરાયો હતો. જે-તે સમયે ૭ રૂપિયાનો વધારો થતા ઘરેલું ગેસનો ભાવ રૂ. ૩૧થી વધીને રૂ.૩૮ થયો હતો.
ગત ૧ માર્ચે પણ વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ ઘરેલુ ગેસના ભાવમાં વધારો કર્યો હતો. પાઇપલાઇનથી લોકોના ઘરે મોકલવામાં આવતા ગેસના ભાવમાં ૫.૨૫ રૂપિયાનો વધારો કર્યો હતો. જેને લઇને ગેસનો ભાવ પ્રતિ યુનિટ ૩૧ રૂપિયા પહોંચ્યો હતો. ત્યારે બાદ ૭ રૂપિયાનો ફરી વધારો અને હવે યુનિટ દીઠ રૂ.૩.૪૫ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવતા ગૃહિણીઓમાં આક્રોશનો જવાળા ભભૂકી ઉઠ્યો છે.
અત્રે નોંધનિય છે કે, વડોદરામાં ઘરેલું ગેસના હાલ ૨ લાખ જેટલા ગ્રાહકો છે. જેને પાઈપલાઈનની મદદથી કંપની દ્વારા ગેસ પહોચાડવામાં આવી રહ્યો છે.SS3KP