Western Times News

Gujarati News

ગેસ સિલિન્ડરમાંથી ગેસ ઓછો કરી બમણી કિંમતમાં વેચાણ

પ્રતિકાત્મક

અમદાવાદમાંથી ગેસ સિલિન્ડરનું કાંડ ઝડપાયું

પોલીસે આ ગુનામાં આરોપીની સાથે ગેસ એજન્સીનો કોઈ કર્મચારી સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ આદરી

અમદાવાદ,એક તરફ જ્યાં મોંઘવારી લોકોના ખિસ્સા બાળી રહી છે ત્યાં બીજી તરફ કાળાબજારી કરનાર લોકો જનતાને લૂંટી રહ્યા છે. અમદાવાદમાં કાગડાપીઠ વિસ્તારમાં એક યુવકે લોકોને લૂંટી પૈસા કમાવાની અનોખી તરકીબ શરુ કરી હતી. યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બહેરામપુરામાં ગેસ સિલિન્ડરમાં ઓછું ગેસ કરી તેને સિલિન્ડરની મૂળ કિંમત કરતા પણ વધુ કિંમતે બ્લેકમાં વેચી હજારો રૂપિયાની રોજની આવક મેળવવાનું શરૂ કર્યું હતું.

અમદાવાદમાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેસ રિફિલ કરીને ઊંચા ભાવે કાળાબજારી કરવાની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બહેરામપુરામાં એક શાકભાજીની રેકડી લગાવતા યુવકે શોર્ટકટમાં પૈસા કમાવા માટે ગેસ સિલિન્ડરમાં ઓછું ગેસ કરી તેને સિલિન્ડરની મૂળ કિંમત કરતા પણ વધુ કિંમતે બ્લેકમાં વેચી કાળાબજારી કરતો હતો.

જાેકે આ મામલે પોલીસને જાણ થતા જ પોલીસે અનિલ ઉર્ફે ટીનો પરમાર નામના યુવકની ધરપકડ કરી છે.પોલીસે આરોપી પાસેથી ત્રણ ગેસ ભરેલા સિલિન્ડર અને ત્રણ ખાલી સિલિન્ડર કબજે કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે પકડાયેલો આરોપી અનિલ પરમાર અગાઉ ગેસ એજન્સીમાં નોકરી કરતો હતો, ત્યાંથી નોકરી છૂટી જતા તે જમાલપુર શાકમાર્કેટમાં શાકભાજીની રેકડી લગાવતો હતો.

પરંતુ ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે તેણે પોતાની પાસે રહેલા ત્રણ ગેસના સિલિન્ડરમાંથી અન્ય ખાલી ગેસ સિલિન્ડરમાં એક નાની પાઇપથી ગેસ રિફિલ કરતો હતો. ઓછું ગેસ રિફિલ કરી સિલિન્ડરને બજારભાવ કરતા પણ ઊંચી કિંમતે વેચી નાખતો હતો જેમાં તે દરરોજના ૬૦૦ રૂપિયા કમાતો હોવાનું સામે આવ્યું છે.

હાલ તો કાગડાપીઠ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ગુનામાં આરોપીની સાથે ગેસ એજન્સીનો કોઈ કર્મચારી સામેલ છે કે કેમ અથવા તેણે અત્યાર સુધીમાં કેટલા ગેસને રીફીલ કરીને કાળા બજારી કરી છે તે દિશામાં તપાસ આદરી છે.ss3


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.