ગેસ સિલિન્ડર ચોરીમાં માહેર ચોર 25 સિલિન્ડર સાથે ઝડપાયો
ચોરની કડક પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે નાના મોટા ગેસના ૨૫ બોટલો ચોરી કર્યા હતા
સુરત, સુરતના કપોદ્રા વિસ્તારમાં ગેસના બોટલો ચોરી થવાની અનેક ફરિયાદો કાપોદ્રા પોલીસને મળી હતી. ગેસની બોટલની ચોરી કરવાની ઘટના સીસીટીવી પણ કાપોદ્રા પોલીસને હાથ આવ્યા હતા. ત્યારે આ મામલે કાપોદ્રા પોલીસે તપાસ કરી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરી કરેલા નાના મોટા ૨૫ ગેસની બોટલો અને એક બાઈક મળી કુલ ૮૮ હજારની મત્તા કબજે કરી હતી.
સુરતના કપોદ્રા વિસ્તારમાં બંધ ઘરમાંથી ગેસના બોટલો ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી. આવી અનેક ફરિયાદો કાપોદ્રા પોલીસને મળી હતી. જેથી કાપોદ્રા પોલીસે આ મામલે તપાસ કરી હતી. કાપોદ્રા પોલીસની તપાસમાં એક ઇસમ સીસીટીવીમાં જાેવા મળ્યો હતો.
આ મામલે કાપોદ્રા પોલીસે તપાસ કરી રચના સર્કલ પાસેથી કતારગામ ખાતે રહેતા રમેશભાઈ ઉકાભાઈ પરમાર નામના ઈસમને ઝડપી પાડ્યો હતો.
પોલીસે પકડેલ ગેસ સિલિન્ડર ચોરની કડક પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે કાપોદ્રા અને ચોકબજાર વિસ્તારમાંથી નાના મોટા ગેસના ૨૫ બોટલો ચોરી કર્યા હતા. જે પોલીસે કબજે કર્યા છે, પોલીસ તપાસમાં કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો.
આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે આરોપી દિવસ તથા રાત્રીના સમયે સોસાયટીની અંદર પ્રવેશ કરી બંધ મકાનનું તાળું ખોલી ગેસના બાટલાઓ ચોરી કરી ફરાર થઇ જતો હતો.
સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી જે રીતે ગેસ સિલિન્ડરની ચોરી થતી હોવાની ફરિયાદ એક પછી એક સામે આવતા પોલીસ પણ આ મામલે ગંભીર બની તપાસ શરૂ કરી હતી. દરમિયાન જે જગ્યાએથી ફરિયાદ મળી હતી ત્યાં સીસીટીવી તપાસ કરતા ગેસની બોટલ ચોરી કરીને જતો ઈસમ સીસીટીવીમાં કેદ થયો હતો.
પરંતુ બે ત્રણ જગ્યાના સીસીટીવીમાં એક જ ઈસમ ગેસની બોટલ ચોરી કરીને લઈ જતો હોવાનું દેખાઈ આવ્યું હતું. ગેસ સિલિન્ડર ચોરી કરનારના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે આ સીસીટીવીને આધારે પોલીસ આરોપીના પગેરું સુધી પહોંચી શકી હતી.
એસીપી વીઆર પટેલ જણાવ્યું હતું કે કાપોદ્રા વિસ્તારમાં દિવસ તથા રાત્રી દરમ્યાન બંધ ઘરની અંદર ડુપ્લીકેટ ચાવીથી તાળું ખોલી ઘરની અંદર પ્રવેશ કરી ગેસની બોટલો ચોરી થવાની ઘટના સામે આવી હતી. આ મામલે કાપોદ્રા પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ ચોકબજાર અને કાપોદ્રા વિસ્તારમાં ગેસની બોટલો ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.