Western Times News

Gujarati News

ગેહલોત સરકાર ધારાસભ્યો માટે આલીશાન ૧૬૦ લક્ઝરી ફ્લેટ્‌સ બનાવી રહી છે

જયપુર: રાજસ્થાનની ગેહલોત સરકાર રાજધાની જયપુરમાં ધારાસભ્યો માટે ૨૬૫ કરોડના ખર્ચે લક્ઝરી ફ્લેટ્‌સ બનાવવા જઈ રહી છે. આ માટે પ્રારંભિક સ્તર પર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ધારાસભ્યો માટે લક્ઝરી ફ્લેટ્‌સ વિધાનસભાની નજીક જ્યોતિ નગરમાં બનાવવામાં આવી રહ્યા છે. આ માટે અહીં બનેલા ધારાસભ્યોના જૂના મકાનોને તોડી દેવામાં આવ્યા છે. વિધાનસભા ભવનની પાસે જ ધારાસભ્યો માટે બનાવવામાં આવી રહેલ આ લક્ઝરી ઇમારતની ઉંચાઇ ૨૮ મીટર હશે. ૮ માળની ઉંચી ઇમારતમાં ધારાસભ્યો માટે ૧૬૦ લક્ઝરી ફ્લેટ્‌સ બનાવવામાં આવશે.

પહેલા અહીં ૧૭૬ ધારાસભ્ય આવાસ બનાવવાના હતા પણ હવે તેની સંખ્યા ઘટાડીને ૧૬૦ કરી દેવામાં આવી છે. આ પાછળ કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે ૧૭૬ ફ્લેટ્‌સ બનાવવાથી સેન્ટ્રલ લોનનું ક્ષેત્રફળ ઓછું થઇ રહ્યું છે. જેથી તેમાં ૧૬ આવાસો ઓછા કરી દીધા છે. આ ૧૬ આવાસ ઓછા કરી દેવાથી સેન્ટ્રલ લોનનું ક્ષેત્રફળ લગભગ ડબલ થઇ જશે. આ સેન્ટ્રલ લોન ૩૬ હજાર વર્ગફૂટ એરિયામાં તૈયાર કરવામાં આવશે, તેની નોડલ એજન્સી રાજસ્થાન આવાસન મંડલને બનાવવામાં આવી છે.

એક તરફ કોંગ્રેસ નવી દિલ્હીમાં બની રહેલા સંસદ ભવન (સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ)ના નિર્માણનો વિરોધ કરી રહી છે. જ્યારે બીજી તરફ રાજસ્થાન કોંગ્રેસ સેકડો કરોડો રૂપિયા ખર્ચ કરીને પોતાના ધારાસભ્યો માટે આલીશાન ઘર બનાવવામાં લાગી છે.

માનનીયો માટે બનાવવામાં આવી રહેલી આ બિલ્ડિંગમાં બધી આધુનિક સુવિધાઓ સામેલ રહેશે. જેમાં અત્યાધુનિક ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, ગેસ્ટ હાઉસ, ઇન્ડોર/આઉટડોર ગેમ્સ અને મિટિંગ હોલ જેવી બધી જ સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે. એક ફ્લેટ્‌સ ૩૨૦૦ વર્ગફૂટ એરિયામાં બનશે. જેમાં ૪ બેડરૂમ, ૧ ડ્રોઇંગ રૂમ, એક ડાઇનિંગ હોલ, મોટું કિચન અને ઘરેલું કર્મચારી માટે એક-એક રૂમ અલગથી બનાવવામાં આવશે.

આ પ્રોજેક્ટ પર થનાર ખર્ચના સવાલ પર સરકારનું કહેવું છે કે આનાથી સરકાર પર કોઇ વધારાનો આર્થિક ભાર આવશે નહીં. આવાસન મંડલ આ ઇમારતને જાલુપુરાની જમીનને વેચીને આવેલા પૈસાથી પુરો કરશે. સરકારે આ પ્રોજેક્ટની જવાબદારી પહેલા જેડીએને આપી હતી. જાેકે આ પછી રાજસ્થાન હાઉસિંગ બોર્ડને આપવામાં આવી છે. આ સાથે બોર્ડે કામ પણ શરૂ કરી દીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.