ગૉડ ગેમના નામ પર કુન્દ્રાએ ૩૦૦૦ કરોડની છેતરપિંડી કરી : ભાજપ નેતા
મુંબઇ: રાજ કુન્દ્રા કેસમાં દરરોજ નવા વળાંકો આવે છે ત્યારે મુંબઇ ભાજપ પ્રવક્તાએ રાજ કુન્દ્રા વિશે નિવેદન આપ્યું છે અને તેને છેતરપિંડી આચરનાર ગણાવ્યો છે. રામ કદમે કહ્યું કે, નાગરિકોને મૂર્ખ બનાવીને લાખો રૂપિયા કમાયો છે. તેણે કહ્યું કે રાજે ગરીબ લોકોને ફસાવ્યા છે. ગોડ ગેમના નામ પર લોકો પાસેથી ૩૦-૩૦ લાખ રૂપિયા લીધા છે અને તે પૈસા ક્યારેય તેણે પાછા નથી આપ્યા.
રામ કદમે કહ્યું કે, રાજ કુન્દ્રાએ પત્નીના નામનો ઉપયોગ કર્યો છે. દેશમાં મોટેપાયે લોકોને મૂર્ખ બનાવ્યા છે. રાજ કુન્દ્રાએ ૨૫૦૦ થી ૩૦૦૦ કરોડ સુધીની છેતરપિંડી કરી છે. જ્યારે લોકો તેમના પૈસા પાછા માગવા માટે ગયા ત્યારે તેમને માર માર્યો અને કુન્દ્રા વિરુદ્ધ કોઇ પણ પ્રકારની ફરિયાદ પણ દાખલ થઇ નહોતી. આ ગડબડ વિયાન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી છે.
રામ કદમે પોલીસ વિભાગ પર પણ સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે લોકો કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમણે ફરિયાદ ફાઇલ કરવાથી ઇન્કાર કરી દીધો હતો. જેથી પોલીસ વિરુદ્ધ પણ તપાસ શરૂ કરવી જાેઇએ. મહારાષ્ટ્રમાં ઘણા લોકો છે જે કુન્દ્રાની આ છેતરપિંડીનો શિકાર બન્યા છે.