ગોંડલઃ નશાની લતે ચડેલા પુત્રની પિતાએ જ હત્યા કરી
પુત્રની હત્યા કરી પિતાએ પોલીસને જાણ કરી, બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ નશાને લઇ ગંભીર પરિણામો
અમદાવાદ, ગોંડલ તાલુકાના મોવિયા ગામના ગોવિંદનગરમાં રહેતા અને ખેતમજૂરી સાથે ગોંડલ એટલાસ ઓઇલ મિલમાં વોચમેન તરીકે કામ કરતા કેશુભાઈ ચાંગેલા અને તેના યુવાન પુત્ર નિતેશ (ઉં. વ. ૪૦) વચ્ચે શનિવારની રાત્રે પૈસા બાબતે ઝઘડો સર્જાતા ક્રોધે ભરાયેલ કેશુભાઇએ કોંસના ઘા નિતેશને માથા પર મારી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. નિતેશ નશાની લતે ચડી ગયો હોઇ અને અવારનવાર પૈસાની માંગ કરતો હતો,
જેથી કંટાળેલા પિતાએ આવેશમાં આવી પોતાના સગા પુત્રને કોસના ઘા મારી પતાવી દીધો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જે પુત્ર મૃત્યુ પામ્યો તેને પણ બે નાના પુત્રો છે, જેથી તેઓએ પિતાની છત્રછાયા ગુમાવતાં સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી પણ પ્રસરી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, પુત્રની હત્યા કર્યા બાદ કેશુભાઈ દ્વારા જાતે જ તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઇ અજયસિંહ જાડેજા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.
ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કેશુભાઈ માત્ર રૂ. છ હજારના પગારમાં વોચમેનની નોકરી કરવાની સાથે વાર્ષિક ખેતીની દોઢ લાખની આવકમાં પોતાનું અને પોતાના પુત્રનું ઘર ચલાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નિતેશ કોઈ નશાના રવાડે ચડ્યો હોઇ અવાર નવાર પૈસા બાબતે પિતા સાથે ઝઘડો કરતો હતો અને તેમાં ગઇ મોડી રાત્રે પિતા-પુત્ર વચ્ચે થયેલા ઝઘડામાં પિતાના હાથે પુત્રની હત્યા થવા પામી હતી. મરણ જનાર નિતેશને સંતાનમાં બે પુત્રો છે.
ઘટના સમયે તેની પત્ની અને બંને પુત્રો ઉપરના રૂમમાં હતા. જ્યારે પિતા પુત્ર વચ્ચે નીચેના રૂમમાં ઝઘડો થયો હતો અને ત્યાં જ હત્યા કરવામાં આવી હતી.નિતેશની હત્યા તેના પિતાએ પોતાના ઘરમાં જ કરી હતી. નિતેશને માથાના ભાગે કોંસના ઘા મારતા લોહીના ફુવારા છૂટ્યા હતા. આથી ઘટનાસ્થળે જ તરફડીને તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.