Western Times News

Gujarati News

ગોંડલના કલોલા પરિવારના મોટા અને નાનાભાઈએ એકસાથે અનંતની વાટ પકડી

રાજકોટ: કુદરતની લીલા અપરમપાર હોય છે. એ કાળા માથાનો માનવી જાણી શકતો નથી. ગોંડલના કલોલા પરિવારના કોરોનાથી સંક્રમિત થયેલા મોટા અને નાનાભાઇના અડધો કલાકના અંતરે નિધન થતા પરિવાર પર આભ તૂટી પડવા પામ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગુંદાળા રોડ પર આવેલા ડેકોરા સિટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ધાર્મિક સ્વભાવના ભગવાનજીભાઈ કાનજીભાઈ કલોલા ઉંમર વર્ષ ૭૫નું ગત રાત્રિના સવા નવ વાગ્યે કોરોનાથી નિધન થયું હતું.

કુદરતની કરુણતા એ હતી કે ભગવાનજીભાઈ નાનાભાઈ ચંદુભાઈ છેલ્લા એક માસથી કોરોના સંક્રમિત હોય વિવિધ હૉસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા હતા. તેઓને ભગવાનજીભાઈના નિધનની ખબર પણ થવા દેવામાં આવી ન હતી. પરંતુ રાત્રિના પોણા દસ વાગ્યે ચંદુભાઈએ પણ મોટાભાઈની સાથે સાથે અનંતની વાટ પકડી લેતા કલોલા પરિવાર પર આભ તૂટી જવા પામ્યું છે.

કરુણ બનાવ અંગે ભગવાનજીભાઈ પુત્ર સતિષભાઈ કલોલાએ જણાવ્યું હતું કે, ચંદુભાઈ કલોલા દેવડા મૂકામે ડેમ ઉપર પીજીવીસીએલમાં સર્વિસ કરતા હતા. ગત બીજી એપ્રિલના વેક્સિન લીધા બાદ આઠમી એપ્રિલના કોરોના સંક્રમિત થયા હતા.

હોમ ક્વૉરન્ટીન રહેવા છતાં પણ તબિયતમાં સુધારો ન થતા ગોંડલ સિવિલ હૉસ્પિટલ, જામનગર સિવિલ હૉસ્પિટલ બાદમાં રાજકોટ ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે ભગવાનજીભાઈ ગત સપ્તાહે કોરોના સંક્રમિત થતા સારવાર માટે રાજકોટ અન્ય ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જાેકે, તેમની સારવાર કારગત ન નિવડતા રાત્રિના સવા નવ વાગ્યે તેઓનું નિધન થયું હતું.

નિધનની જાણ ચંદુભાઈને થવા દેવામાં આવી ન હતી. છતાં પણ માત્ર અડધો કલાકના અંતરે ચંદુભાઈનું પણ નિધન થતાં પરિવાર શોકમગ્ન થઇ ગયો હતો. છ ભાઈઓના પરિવારમાં ભગવાનજીભાઈ સૌથી મોટા હતા અને ચંદુભાઈ સૌથી નાના હતા. એકસાથે પરિવારના બે વ્યક્તિઓનાં નિધન થતા હાલ કલોલા પરિવાર ઊંડા શોકમાં ગરક થઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.