Western Times News

Gujarati News

ગોંડલમાં ટ્રક-કાર અથડાતાં અચાનક બંને વાહન સળગ્યાં

ગોંડલ: ગોંડલ બિલિયાળા પાટિયા પાસે ટ્રક અને કારનો શુક્રવારે રાતે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ટ્રક અને કાર ધડાકાભેર અથડાતા બંન્ને વાહનો ભળભળ સળગી ઉઠ્‌યા હતા અને કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજ્યા છે. ગોંડલ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે.

આ અંગે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઇને વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ આગ કેમ લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ ગોઝારા અકસ્માતમાં મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે, શુક્રવારે રાતે ટ્રક અને કાર સામસામે ભટકાઇ હતી. આ બંન્ને ધડાકાભેર અથડાતા બંન્ને વાહનો અચાનક બળવા માડ્યા હતા. બંન્ને વાહનોમાં આગ એટલી ઝડપે લાગી હતી કે તે થોડા જ સમયમાં વાહનો ભસ્મીભૂત થઇ ગયા.

કારમાં બેઠેલા ત્રણ લોકો કારની અંદર જ બળીને ભડથું થઇ ગયા હતા. જ્યારે ટ્રકમાં બેઠેલા ડ્રાઇવર નીચે ઉતરવામાં સફળ રહ્યાં હતા. આ ગમખ્વાર અકસ્માત બાદ આગ કેમ લાગી તે પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

જાેકે, પોલીસે ત્યાં પહોંચીને ટ્રાફિક જાને હળવો કર્યો હતો. આ અકસ્માતના અવાજથી આસપાસનાં લોકો તરત જ દોડી આવ્યાં હતા અને ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરી હતી. કારમાં ભડથું થનારા ત્રણ લોકો કોણ હતા તે હજુ સામે આવ્યું નથી. હાલ પોલીસ અનએફએલએલની ટીમ આ અંગે તપાસ કરી રહી છે. શુક્રવારે મોડી રાતે મહીસાગર જિલ્લામાં પણ અકસ્માત સર્જાયો હતો.

જેમા લુણાવાડા તાલુકાના મામલતદારનું મોત નીપજ્યું છે. મહિસાગરના લુણાવાડાના મામલતદાર સરકારી ગાડીમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે રાજસ્થાન આરટીઓ પાસીંગની ટ્રાવેલ્સ સાથે સરકારી ગાડી ધડાકાભેર અથડાતા તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતમાં સરકારી ગાડીમાં સવાર ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મામલતદારને સારવાર અર્થે લઈ જવાતા સમયે તેમનું મોત થયું હતું. ઘટનાના પગલે પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.