ગોંડલમાં તબીબ પર હુમલોઃ છ મહિનામાં હુમલાની ત્રીજી ઘટના
ગોંડલ, ગોંડલમાં જાણે ડોકટરોની માઠી બેઠી હોય તેમ છેલ્લા છ મહિનામાં ડોકટરોને ધમકી આપવાની તથા માર મારવાની ત્રીજી ઘટના બની છે. જેતપુર રોડ પર કિલનિક ચલાવતા તબીબે હુમલો કરવા અંગે બે શખસો સામે પોલીસ ફરિયાદ કરી છે.
ગોંડલમાં ડો. સમીર દુધાત્રા પર હુમલો,
ડેન્ટિસ્ટ ડો. લલિત સાવલીયાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીની ઘટનાઓ બાદ જેતપુર રોડ પર કિલનિક ચલાવતા ડો. કુલદિપ શુકલાને બે શખ્સોએ ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સિટી પોલીસમાં ફરિયાદ થવા પામી છે.
બનાવ અંગે પોલીસ ફરિયાદમાં ડો. કુલદિપ શુકલાએ જણાવ્યું કે દિનેશ કુંજડીયાના બહેનને છાતીનો દુઃખાવો હોય તેની રીતે દવા લીધા બાદ રિએકશન આવતા તેની દવા લેવા કિલનિક આવેલા પરંતુ રિએકશન મટતુ ન હોય રાજકોટ સારવાર કરાવી હતી.
જે સારવારનો ખર્ચ દિનેશ કુંજડીયા અને તેની સાથેના અજાણ્યા શખ્સે ડો. કુલદિપ શુકલા પાસે માંગી કિલનિકમાં હંગામો કરી માર માર્યો હતો. બનાવ અંગે સિટી પોલીસના વિશાલભાઈ ગઢાદરાએ તપાસ હાથ ધરી હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.