Western Times News

Gujarati News

ગોંડલમાં પ્રેમલગ્ન કરનાર યુગલને મળી તાલિબાની સજા

પછાત માનસિક્તા ધરાવતા યુવતીના પરિવારજનોએ યુગલને રસ્તા વચ્ચે જ આંતરીને યુવકને લાકડીઓ વડે ઢોર માર માર્યાે

યુવતીના પરિવારજનોએ સરાજાહેર માર્યાે ઢોર માર

ગોંડલ,કહેવામાં તો આપણે ૨૧મી સદીમાં જીવી રહ્યા છે. વિકાસના મામલે ભારત વિશ્વમાં હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ, તેમ છતાં “પ્રેમ લગ્નો” બાબતે આજે પણ કેટલાંક લોકોની માનસિકતા ખૂબ જ પછાત જોવા મળે છે. જેનો ભોગ બને છે. નિર્દાેષ યુગલો ! હચમચાવના દૃશ્યો રાજકોટના ગોંડલ જિલ્લાના મોવિયા ગામેથી સામે આવી રહ્યા છે. અહીં રસ્તાની વચ્ચે જ એક યુગલને ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. અને સાથે જ તે અનેક સવાલો પણ ઉઠાવી રહ્યો છે. હકીકતમાં થોડાં મહિના પહેલાં જ યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા.

બંન્નેની જ્ઞાતિ અલગ હોઈ પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હતા. ત્યારે આ જ મુદ્દે યુવતીના કાકા અને ભાઈઓએ “નવ દંપતી”ને રસ્તા વચ્ચે આંતરીને લાકડીથી ઢોર માર માર્યાે. એટલું જ નહીં દીકરીને બળજબરી પૂર્વક ટુવ્હીલર પર બેસાડવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હોય અને દીકરી માની ન રહી હોય તેવાં દૃશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.

પછાત માનસિકતા ધરાવતા પરિવારજનોએ દીકરીને પણ ન છોડી અને તેને બેરહેમી પૂર્વક મારતા રહ્યા. અહીં મુદ્દો એ પણ છે કે ઘટના સમયે ત્યાં હાજર એકપણ વ્યક્તિએ દરમિયાનગીરી કરી યુગલની મદદ ન કરી. લોકો મૂકપ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા અને વીડિયો ઉતારતા રહ્યા. હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવક તેના મિત્રની મદદથી ગોંડલ સરકારી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તેનો આરોપ છે કે તેની પત્નીના પરિવારજનો બળજબરી પૂર્વક પત્નીને ક્યાંક લઈ ગયા છે.

અને એટલે જ તેણે આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓની અટકાયત બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પણ, અહીં એક મુદ્દો એ પણ છે કે પ્રેમ લગ્નની ઘટનામાં ન્યાય તંત્રના આદેશ મુજબ ગોંડલ તાલુકા પોલીસ રક્ષણ આપવામાં ઉણી ઊતરી છે. સૌથી મોટો સવાલ એ છે કે પ્રેમ લગ્ન અંગે લોકોની માનસિકતામાં પરિવર્તન ક્યારે આવશે ?ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.