ગોંડલમાં બે જૂથ વચ્ચે મારામારી એકનું મોત: ચાર વ્યક્તિને ઇજા
ગોંડલ, ગુનાખોરી માટે કુખ્યાત બનેલાં શહેરનાં વોરાકોટડા રોડ પર ગત રાત્રીનાં બે જૂથ વચ્ચે અથડામણ તથા પથ્થરમારો થયો હતો. બનાવમાં વોરાકોટડા રહેતાં ભરવાડ જગદીશભાઇ બટુકભાઈ ઠુંગા (ઉ.૩૫),અનિલભાઈ મયાભાઇ બતાળા (રે.કુંભારવાડા ઉ.૨૮),દિપાભાઇ સેલાભાઇ નિનામા (રે.રુપાવટી),ઇલિયાશ નુરમામદ સવાણ (ઉ.૪૦,રે.આવાસ ક્વાર્ટર) તથા અકબર ઇબ્રાહીમભાઇ સુમરા (ઉ.૫૦ રે.આવાસ કવાર્ટર)ને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.જે પૈકી ઇલિયાશભાઇ તથા અકબરબાઇને વધુ ઇજા થતા રાજકોટ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ઇલિયાશભાઇનું મોત નીપજ્યું છે.
આ અંગે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જગદીશભાઇએ જણાવ્યું હતું કે, પોતે બાઇક લઇ ગોંડલથી વોરાકોટડા જઇ રહ્યા હતાં. ત્યારે રોડ ઉપર ઉભેલાં ટોળાએ બાઇક રોકી તલવાર વડે હુમલો કર્યો હતો.જયારે અનિલભાઈએ જણાવ્યું કે, પોતે બાઇક લઇ વાડીમાંથી આવી રહ્યો હતો ત્યારે ટોળાં દ્વારા પથ્થરમારો થતા ઇજા થઇ હતી. દિપાભાઇ તેમના ફૈબાને ઘરે ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે ટોળાએ તેમને નિશાન બનાવ્યો હતો.
બન્ને જૂથ વચ્ચે સામસામી પથ્થરબાજી થઇ હોય રોડ ઉપર ઇંટોનાં ટુકડા, પથ્થરો નજરે પડતા હતાં. બે બાઇકમાં અને એક કેબિનમાં પણ તોડફોડ થવા પામી હતી. બનાવનાં પગલે સીટી પોલીસ, તાલુકા પોલીસ, એલ.સી.બી, એસ.ઓ.જી, ઉપરાંત જીલ્લા પોલીસવડા બલરામ મીણા વોરાકોટડા રોડ પર દોડી ગયાં હતાં અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ચર્ચાતી વિગતો મુજબ અથડામણ વેળા ફાયરીંગ થયુ હતું. અલબત ફાયરીંગ થયાની વાતને પોલીસ નકારી રહી છે. સૂત્રો અનુસાર સાંજે થયેલી બોલાચાલી રાત્રીનાં જૂથ અથડામણમાં પલટાઇ હતી. હાલ, રાજકોટ ખાતે ઈલિયાશભાઈ નુરમામદ સવાણ મોત નિપજ્યું છે.