Western Times News

Gujarati News

ગોંડલમાં હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં ટાંકીમાં વેલ્ડિંગ કરતા સમયે બ્લાસ્ટ: 3 શ્રમિકના મોત

ગોંડલ, ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી Hi-bond Cementની ફેક્ટરીમાં આજે વહેલી સવારે એક કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં ફેક્ટરીમાં જ કામ કરતા ત્રણ શ્રમિકના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

ત્રણેય શ્રમિકો ફેક્ટરીમાં કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. જેમાં એક શ્રમિકનું મોઢુ એટલી હદે છૂંદાઇ ગયું હતું કે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે ચાર વાગ્યે ફેક્ટરીની અંદર કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં ગીર સોમનાથના દેવલપુર ગામના આશિષ હમીરભાઈ સોલંકી (ઉં.વ.25), સુત્રાપાડાના રાહુલ જસાભાઈ પંપાણિયા (ઉં.વ. 22) અને ઉત્તરપ્રદેશના બલવા ગોરીનાં અમર શિવધારાભાઈ વિશ્વકર્મા (ઉં.વ.33)ના મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ થતા જ ગોંડલ તાલુકા PSI એસ.જી. કેશવાલા અને હેડ કોન્સ્ટેબલ પી.બી. વાલાણી દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તેમજ ત્રણેય યુવાનના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.

ત્રણેય યુવાનો વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા અને બ્લાસ્ટ થયો હતો. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે અન્ય બે યુવાનને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ અન્ય એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ત્રણેય યુવાનના પરિવારજનોનો સંપર્ક સાધવા કાર્યવાહી હાથ ધરી છે.

આજે વહેલી સવારે ત્રણેય શ્રમિકો ફેક્ટરીની અંદર લોખંડની ટાંકીમાં કેમિકલ ભર્યું હતું જેમાં વેલ્ડિંગ કરતા હતા. ત્યારે વેલ્ડિંગ કરતા સમયે ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતા હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં Dysp, LCB સહિતનો કાફોલો પહોંચ્યો છે. તેમજ FSLની ટીમ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. FSLની ટીમે કેમિકલના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.