ગોંડલ: ખેડૂતોને કારમાં લિફટ આપી રોકડ રકમની ચોરી કરનાર રાજુલા પંથકની ગેંગ ઝડપાઈ
ગોંડલ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જણસ વેચવા આવતા ખેડૂતોને કારમાં લીફટ આપીને રોકડ રકમ સેરવી લેતી રાજુલા પંથકની પાંચ શખસની ગેંગને પોલીસે ઝડપી લીધી હતી. રૂ.૧.૪૪ લાખની રોકડ અને કાર મળી કુલ રૂ.ર.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા જયેશભાઈ ગોંડલીયા તેમજ સોમનાથ જિલ્લામાં રહેતા ભરતભાઈ નંદાણીયાને ગોંડલ નવા માર્કેટિગ યાર્ડની બહાર લિફટ આપવાના બહાને ઈન્ડિકા વિસ્ટા ગાડીમાં બેસાડી નજર ચુકવી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોય જે અંગેની ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા સિટી પીઆઈ સંગાડા, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાઠોડ, જયદીપસિહ ચૌહાણ, શક્તિસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, વાઘાભાઈ આલ, મહેન્દ્રભાઈ સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ દરમિયાન બાતમી મળી હતી કે અમરેલી જિલ્લાના રાજુલા ગામે તત્વ જયોતિ મંદિર પાસે રહેતા રવિ શાંતિભાઈ ચૌહાણ, કરણ ખીમાભાઈ સોલંકી, આકાશ ઉર્ફે ગેરવો જેન્તીભાઈ સોરઠીયા, જયંતિ ઉર્ફે કાળુ ગોરધનભાઈ સોંલંકી તેમજ નરેશ લાભુભાઈ ચૌહાણ ફરીથી શિકારની તલાશમાં ગોંડલ તરફ આવી રહ્યા હોય સીટી પોલીસે નેશનલ હાઈવે જેતપુર ચોકડી સાંઢિયા પુલ પાસેથી એ પાંચેય આરોપીઓને રોકડ રકમ રૂપિયા ૧૪૪૦૦૦ તેમજ ઈન્ડિકા વિસ્ટા ગાડી કિંમત રૂપિયા ૧પ૦૦૦૦ કુલ મુદ્દામાલ ર૯૪૦૦૦ સાથે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.