ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીથી ભરાયુ
અમદાવાદ: એકબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે બીજીબાજુ, છેલ્લા બે દિવસતી ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની નોંધપાત્ર અને વધુ પડતી આવક નોંધાઇ રહી છે. ડુંગળીના સારા ભાવ મળતા જ ખેડૂતો પોતાની ડુંગળીનો પાક વેંચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉમટી પડ્યા હતા.
એક તબક્કે ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની ૮૦ હજાર ગુણીઓથી ઉભરાઇ ગયુ હતુ, જેને પગલે યાર્ડ સત્તાધીશોએ આગામી ચારથી પાંચ દિવસ સુધી ડુંગળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી. જા કે, ડુંગળીના મણે એક હજારથી રૂ.૧૬૦૦ સુધીના ભાવ મળતાં ખેડૂતઆલમમાં ખુશીની લાગણી પણ પ્રસરી ગઇ હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં ગત રાતથી જ ડુંગળી આવક શરૂ થઇ હતી.
આજે ૮૦ હજાર ગુણીથી માર્કેટ યાર્ડ ઉભરાઇ ગયું હતું. ખેડૂતો ડુંગળીઓની સેંકડો ગુણીઓ ટ્રક-ટેમ્પા સહિતના વાહનોમાં લઇ માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા, જેને પગલે યાર્ડમાં અને બહાર ખેડૂતોના ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઇનો લાગી હતી. વધુ પડતી ડુંગળીની આવક એટલી હદે જાવા મળી હતી કે, એક તબક્કે માર્કેટ યાર્ડમાં ડુંગળી ઉતારવાની જગ્યા મળતી નથી.
એક મણ ડુંગળીના ભાવ ૧૦૦૦થી ૧૬૦૦ સુધી બોલાતા ખેડૂતોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જા કે, વધુ પડતી ડુંગળીની આવકથી યાર્ડના સત્તાધીશોને આગામી ચારથી ૫ાંચ દિવસ ડુંગળીની આવક બંધ કરવાની ફરજ પડી છે. જેથી હવે ખેડૂતો દ્વારા ચાર-પાંચ દિવસ બાદ ડુંગળીની નવી આવક માર્કેટ યાર્ડમાં ઉતારવામાં આવશે.