ગોતામાં કન્સ્ટ્રકશન સાઈટ પર નીચે પટકાતાં શ્રમિકનું મોત
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક વચ્ચે ધંધા રોજગાર પુનઃ શરૂ થઈ ગયા છે અને પરપ્રાંતિય શ્રમિકો પણ પરત આવવા લાગ્ય છે ખાસ કરીને કન્સ્ટ્રકશન સાઈટો ફરી ધમધમતી થઈ ગઈ છે અને સાઈટો પર મોટાભાગે પરપ્રાંતિય શ્રમિકો કામ કરી રહયા છે શહેરના ગોતા વિસ્તારમાં નવી બની રહેલી કન્સ્ટ્રકશન સાઈડ પર કામ કરતા અને ત્યાં જ રહેતા એક યુવકનું અચાનક જ નીચે પટકાતાં ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજયું છે સોલા હાઈકોર્ટ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેના પગલે પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન જવા માટે હિજરત કરવા લાગ્યા હતા પરંતુ ત્યારબાદ અનલોક જાહેર કરી ધીમેધીમે ધંધા રોજગાર ખોલવાની મંજુરી આપવામાં આવી રહી છે ગુજરાતમાં રાજય સરકાર દ્વારા અનલોક-ર માં મોટાભાગના ધંધા રોજગાર શરૂ કરવાની મંજુરી આપતા ઉદ્યોગો ફરી ધમધમતા થઈ ગયા છે જીઆઈડીસીઓમાં શ્રમિકો પરત ફરી રહયા છે. અમદાવાદ શહેરના છેવાડાના વિસ્તારોમાં સંખ્યાબંધ કન્સ્ટ્રકશન સાઈડો ચાલી રહી છે અનલોક દરમિયાન કન્સ્ટ્રકશન સાઈટો પર કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો પુનઃ રોજગારી મેળવવા અમદાવાદ આવી પહોંચ્યા છે
જેના પરિણામે આવી સાઈટો ફરી શરૂ થઈ જતા બિલ્ડરોએ હાશકારો અનુભવ્યો છે. શહેરના છેવાડાના વિસ્તાર ગોતામાં અનેક કન્સ્ટ્રકશન સાઈટો ચાલી રહી છે જેમાં ગોતા આઈસીબી ફલોરા નામની સિલ્વર ફાર્મની સામે સાર્ક પેરેડાઈસ નવી બની રહેલી સાઈટ પર અનેક શ્રમિકો કામ કરી રહયા છે અજયકુમાર રાજનારાયણ નામનો યુવક કન્સ્ટ્રકશન સાઈડ પર કામ કરી રહયો છે અને તે સાઈટ પર જ રહેતો હતો
ગઈકાલે અચાનક જ ઉપરના માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી જેના પરિણામે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી પરંતુ સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજયાનું જાણવા મળી રહયું છે ઘટનાની જાણ થતાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.