ગોતામાં વીજ થાંભલા નજીક જોખમી સર્કલઃ ભાજપના નેતાની ભલામણ
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલી હદે પોલંપોલ ચાલી રહી છે તેનુ મોટુ અને ગંભીર ઉદાહરણ સામે આવ્યુ છે. શહેરના ગોતા વોર્ડના વિષ્ણુધારા ક્રોસ રોડ (ટીપી-32) પર હાલમાં એક મસમોટુ ટ્રાફીક સર્કલ ઉભું કરવામાં આવી રહ્યુ છે. ગંભીર બાબત એ છેકે આ ચાર રસ્તા પર હાલમાં કોઇપણ પ્રકારની ટ્રાફીકની સમસ્યા નથી, કારણ કે આ વિસ્તાર મુખ્યમાર્ગથી અત્યંત અંદરની તરફ આવેલો છે.
સાથે જ વિસ્તારમાં હજી તો વોલ ટુ વોલ પાકા રોડ અને વરાસાદી લાઇનો સહીતના પ્રાથમીક કામો બાકી છે. બીજી ગંભીર બાબત એ છેકે આ વિસ્તારમાં ઠેરઠેર ઉત્તર ગુજરાત વીજ કંપનીની ઓવરહેડ વીજ લાઇનો અને તેના સેંકડો થાંભલા આવેલા છે. જેને દૂર કર્યા વગર ભાજપના નેતાની સિધી ભલામણથી અને તેમની વ્યક્તીગત વાહવાહી માટે એએમસીના ગાર્ડન વિભાગ દ્વારા કોઇપણ પ્રકારની સ્થળ મુલાકાત વગર આ સર્કલને મંજૂરી આપી દેવાઇ છે અને કામ શરૂ થઇ ગયુ છે.
વાસ્તવીકતા એ છેકે રોડ હજી સંપૂર્ણ ખુલ્યો નથી અને બન્યો નથી, તેમ છતા વીજ કંપનીના થાંભલાઓની નજીક જ આ સર્કલ બનાવી દેવાયુ છે. ડિઝાઇન પણ એટલી હદે ખોટી બનાવાઇ છે કે જેના કારણે સર્કલ ઉંચુ બની રહ્યુ છે. જેથી સામેથી આવતા વાહનો તો જોઇ શકાતા જ નથી. જેથી અકસ્માતો વધવાની સંભાવના જોવાઇ રહી છે.
સમગ્ર મામલામાં સૌથી મોટી ગંભીરતા એ છેકે આ સર્કલ બનવા અંગે ગોતા વિસ્તારના સ્થાનીક કોર્પોરેટરો અજાણ છે. કારણ કે સર્કલ બનાવતા પૂર્વે સ્થાનીક કોર્પોરેટરનો અભિપ્રાય પત્ર તેમના લેટર પેડ ઉપર આપવાનો હોય છે. આ મામલામાં ટ્રાફીક વિભાગનો અભિપ્રાય લેવાયો છે કે નહી તે અંગે પણ શંકાઓ ઉઠી છે.
આ તમામ બાબતોને લઇને સ્થાનીકોમાં ભાજપના આ નેતા સામે રોષ છે અને સાથે જ એએમસી તંત્ર સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે. તો બીજી તરફ ભાજપના આંતરીક રાજકારણને લઇને વિસ્તારના સ્થાનીકોને મુશ્કેલીઓ વેઠવી પડે તેવી સંભાવના છે. હાલ આ સર્કલના નિર્માણને લઇે વિરોધ છે આ સર્કલ તાત્કાલીક તોડીને રોડ પહેલાની જેમ ખુલ્લો થાય એવી માંગણી છે.