Western Times News

Gujarati News

ગોત્રી હોસ્પિટલના તબીબોએ દર્દીના ખભાનું  મુંબઈમાં થ્રી ડી મોડેલ બનાવડાવી સર્જરી કરી

સરકારી દવાખાનામાં સહૃદયતા: રાજ્યના સરકારી દવાખાનાઓમાં સંભવતઃ પ્રથમવાર આ પ્રકારની શસ્ત્રક્રિયા કરવામાં આવી છે..

વડોદરા:  એ દર્દીનો ખભો વારંવાર ખસી જતો એટલે કે ઉતરી જતો હતો.રાત્રે સાજાસમા સુવે અને ઉઠે ત્યારે ખભો ખસી જવાથી વેદના અને અસહાયતા અનુભવે.વારંવાર દવાખાને જવું પડે અને જીવન વ્યવહાર ખોરવાઈ જાય.આ દર્દી જી.એમ. ઈ.આર.એસ.મેડિકલ કોલેજ અને હોસ્પિટલ,ગોત્રીમાં સારવાર હેઠળ હતા.તબીબો પણ તેમની આ તકલીફનું નિવારણ કેવી રીતે કરવું એની મૂંઝવણ અનુભવી રહ્યા હતા.

દર્દીની સારવાર કરતા ડો.તેજસ ચોવટીયા એ તેમના ઉપરી ડો.શ્રીવાસ્તવ અને ડો.સ્મિત શાહ સાથે આ બાબતનો પરામર્શ કર્યો અને થ્રી ડી બોન મોડેલ બનાવીને સર્જરી કરવાના વિકલ્પ પર પસંદગી ઉતારી.

હવે મુશ્કેલી એ હતી કે દર્દીના ખભાના વારંવાર ખસી જતા હાડકાના ચિત્રને આધારે આબેહૂબ મોડેલ બનાવી શકાય એ પ્રકારની  ટેકનોલોજી દવાખાનામાં ઉપલબ્ધ નથી.થ્રી ડી પ્રિન્ટિંગ આધારિત આવું બોન મોડેલ બનાવવાનું કામ માત્ર મુંબઈમાં થાય છે અને આ ખર્ચાળ પ્રક્રિયા માટે ખર્ચ કેવી રીતે કરવો એ પણ મુંઝવણ હતી.

ડો.તેજસ ભગવાન સ્વામિનારાયણમાં પરમ આસ્થા ધરાવે છે અને એમને આ મુશ્કેલીનો કોઈ ઉકેલ મળશે એવી શ્રદ્ધા હતી.અને એ શ્રદ્ધા ફળીભૂત થતી હોય એ રીતે એમના સેવાભાવી મિત્રો મદદે આવ્યા. એમણે રૂ.૨૦ થી ૨૫ હજાર જેટલો ખર્ચ ઉઠાવી લીધો અને દર્દીના ખભાના સોકેટનું થ્રી ડી પ્રિન્ટિંગ આધારિત બોન મોડેલ મુંબઈમાં તૈયાર થયું.

દર્દીના હાડકા અને  સાંધાની વિકૃતિનું સ્પસ્ટ ચિત્ર,કેટલી ખામી છે,કેટલો ઘસારો છે અને આ ખામીને કારણે ખભો વારંવાર કેમ ઉતરી જાય છે એનો ડાયનેમિક અભ્યાસ શક્ય બનતા ખૂબ સચોટ સર્જરી થઈ શકી અને દર્દી એ હાશ અનુભવી.

ડો.તેજસ ચોવટીયાનું માનવું છે કે રાજ્યની સરકારી હોસ્પિટલમાં થ્રી ડી બોન મોડલના આધારે થયેલી કદાચિત આ પ્રથમ શસ્ત્રક્રિયા છે.આવી સર્જરી ખાનગી દવાખાનાઓમાં પણ જવલ્લેજ થાય છે.કારણ કે થ્રી ડી પ્રિન્ટિંગ ટેકનોલોજી હજી દવાખાનાઓમાં ભાગ્યેજ ઉપલબ્ધ છે.

આ કાર્યમાં એમને ગોત્રી હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગ ઉપરાંત એનેસ્થેસિયા અને રેડિયોલોજી વિભાગો તેમજ ઑટી સ્ટાફનો ઉમદા સહયોગ મળ્યો. આ એક રેર પ્રોબ્લેમ હતો એટલે એની સર્જરી પણ અસાધારણ હતી એવી લાગણી વ્યક્ત કરતા ડો. તેજસે જણાવ્યું કે આવી અસામાન્ય શારીરિક ખામી નું નિવારણ સ્કીલ  સાથે ટેકનોલોજીના સમન્વય થી વધુ સચોટ રીતે શક્ય છે. એમણે દુરબીનની મદદ થી  ખભાનું અવલોકન પણ કર્યું હતું.

ઓર્થોપેડીક ના ક્ષેત્રમાં થ્રી ડી પ્રિન્ટિંગ આધારિત થ્રી બોન મોડેલ બનાવી સચોટ ઉપચારનો ટ્રેન્ડ ખૂબ ઉપયોગી જણાયો છે અને વધી રહ્યો છે. મલ્ટીપલ ફ્રેકચર, કોણી અને સાંધા માં ફ્રેકચર ,ઘૂંટણ બદલવા જેવી તકલીફો ના નિવારણ માં આ ટેકનોલોજીની મદદ થી ખૂબ સચોટ શસ્ત્રક્રિયા થઈ શકે છે અને આ ટેકનોલોજી આવનારા વર્ષોમાં જટિલ શસ્ત્રક્રિયાઓમાં મહત્વની ભૂમિકા ભજવશે. ડો.તેજસ આ કાર્યમાં સહયોગી બનેલા સહુને ધન્યવાદ આપવાની સાથે આ મુશ્કેલ કાર્યમાં સફળતાનું શ્રેય પરમ કૃપાળુ પરમાત્માને આપ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.