Western Times News

Gujarati News

ગોદરેજ એન્ડ બૉય્સનો વર્ષ 2030 સુધીમાં કાર્બનનાં ઉત્સર્જનમાં 60 ટકા સુધી ઘટાડો કરવાનો ઉદ્દેશ

●     વર્ષ 2030 સુધીમાં એની ઊર્જા ઉત્પાદકતા બમણી કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી

મુંબઈ, વ્યવસાય અને ટકાઉક્ષમતા એકબીજા સાથે સીધો સંબંધ ધરાવે છે એને સમજીને ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સ મેનુફેક્ચરિંગ કંપની લિમિટેડએ આંતરરાષ્ટ્રીય EP100 પહેલના ભાગરૂપે સ્માર્ટ ઊર્જાનો ઉપયોગ કરવા આજે મહત્ત્વાકાંક્ષી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

EP100 ક્લાઇમેટ ગ્રૂપ દ્વારા સંચાલિત છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરની બિનનફાકારક સંસ્થા છે અને આલિઅન્સ ટૂ સેવ એનર્જી સાથે પાર્ટનરશિપ ધરાવે છે. આ દુનિયાભરમાં કામ કરતી સેંકડો કંપનીઓને એકછત હેઠળ લાવે છે, જે ઓછી ઊર્જાનો ઉપયોગ કરીને વધારે કામગીરી કરવા પ્રતિબદ્ધ છે.

ગોદરેજ એન્ડ બૉય્સ વર્ષ 2030 સુધીમાં (નાણાકીય વર્ષ 2017ની બેઝલાઇન) એની ઊર્જાની ઉત્પાદકતા બમણી કરવાનો અને ઊર્જા વ્યવસ્થાપન વ્યવસ્થાનો અમલ કરવાનો ઇરાદો ધરાવે છે.

કંપનીએ એના ઉત્પાદન પ્લાન્ટમાં ઊર્જાદક્ષતા માટે વિવિધ પગલાં લઈને એની ઊર્જાનો વપરાશ ઘટાડવા સતત પ્રયાસો કર્યા છે, જેમ કે ઊર્જાદક્ષ ટેકનોલોજીઓનો સ્વીકાર અને બિનકાર્યદક્ષ પ્રક્રિયાઓને બદલવી.

ગોદરેજ એન્ડ બૉય્સનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં એની કામગીરી દ્વારા કાર્બનનાં ઉત્સર્જનમાં 60 ટકા સુધી ઘટાડો કરવાનો પણ છે. કંપની નીચેના પગલાં અનુસરીને એના તમામ વ્યવસાયોમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની કામગીરી હાથ ધરશેઃ

·         વર્ષ 2030 સુધીમાં સંપૂર્ણ ગ્રૂપમાં ઊર્જા વ્યવસ્થાપન વ્યવસ્થા (EnMS)નો અમલ

·         ઊર્જા સંરક્ષણના પગલાં અને ઊર્જાદક્ષતાના કાર્યક્રમોનો અમલ

·         રિન્યૂએબલ ઊર્જાનો હિસ્સો વધારવો

·         ઊર્જાદક્ષ ટેકનોલોજીનો સ્વીકાર

ગોદરેજ એન્ડ બૉય્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જમશેદ ગોદરેજએ કહ્યું હતું કે, “અમારી ‘ગૂડ એન્ડ ગ્રીન’ પહેલ અમારી એ માન્યતાને દ્રઢ કરે છે કે, ઇનોવેશન અને ટકાઉક્ષમતા કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની, ઊર્જાદક્ષતા વધારવાની અને ફરતા અર્થતંત્રને પ્રોત્સાહન આપવાની અમારી સફરને આગળ ધપાવશે. અમને અન્ય એક આંતરરાષ્ટ્રીય હિતકારક પહેલ EP100ને ટેકો આપવા પર અને સ્માર્ટ ઊર્જાના વપરાશને આગળ વધારવામાં મદદરૂપ થવા પર ગર્વ છે.”

ક્લાઇમેટ ગ્રૂપના ઇન્ડિયા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિવ્યા શર્માએ કહ્યું હતું કે, “અમે સ્માર્ટર ઊર્જાના વપરાશ પર લીડરશિપ બદલ ગોદરેજ એન્ડ બૉય્સને અભિનંદન આપીએ છીએ. EP100માં સામેલ થવું અને તેમની ઊર્જા ઉત્પાદકતા વધારીને કંપની દર વર્ષે તેમના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી શકે છે અને લાખો ડોલરની બચત કરી શકે છે. અમે પેરિસ સમજૂતીની વર્ષગાંઠ તરફ અગ્રેસર હોવાથી અમે અન્ય વ્યવસાયોને ઉદાહરણ સ્થાપિત કરવા અને સ્વચ્છ ઊર્જા તરફ આગેકૂચ કરવા અપીલ કરીએ છીએ.”

ભારતના સૌથી જૂનાં વ્યવસાયોમાં સામેલ ગોદરેજ એન્ડ બૉય્સ ભારતમાં નેતૃત્વ લેવાની અને મોટા વ્યાવસાયિક સમુદાયને પ્રભાવિત કરવાની સારી સ્થિતિમાં છે. કંપનીએ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC) રેટિંગ સિસ્ટમ અંતર્ગત ભારતની પ્રથમ નેટ ઝીરો કાર્બન બિલ્ડિંગ સ્થાપિત કરી છે અને એશિયા-પ્રશાંત રિજનમાં નેટ ઝીરો બિલ્ડિંગ્સને પ્રોત્સાહન  આપવા વર્લ્ડ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ સાથે પાર્ટનરશિપ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.