ગોધરાના ચિલ્ડ્રન હોમ ખાતે આંતરરાષ્ટ્રિય બાળ દિનની ઉત્સાહભેર ઉજવણી
બાળકોને મા અમૃતમ કાર્ડ, સ્કૂલ બેગ, કપડા, રમતના સાધનોનું વિતરણ
માત-પિતા વિનાના બાળકોને પારિવારીક હૂંફ આપવા સમાજ આગળ આવે
ગોધરા: પંચમહાલ મુખ્ય મથક ગોધરા સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે આંતરરાષ્ટ્રિય બાળ દિનની ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને નવા કપડા, સ્કૂલ બેગ, રમતના સાધનો ભેટ સ્વરૂપે તેમજ મા અમૃતમ કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, કેક કાપી ઉજવણીને યાદગાર બનાવવામાં આવી હતી.
ઉજવણી સમારોહના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા સમાહર્તા શ્રી અમિત અરોરાએ કહ્યું હતું કે, માત-પિતા વિનાના આ બાળકોને પારિવારીક હૂંફની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે અને તેમાં સમાજ પોતાની નૈતિક ફરજ સમજી આવા બાળકોને પોતિકી હૂંફ આપવા આગળ આવે તે સાંપ્રત સમયની માગ છે. સમાજિક આગેવાનો, નિવૃત વરિષ્ઠ નાગરિકો, અધિકારીઓ/કર્મચારીઓ સાથે નાગરિકો પણ સમાજ પ્રત્યેની પોતાની ફરજ સમજી આ બાળકોને સમય આપે અને તેમનામાં સારા નાગરિક બનવાના સંસ્કારોનું સિંચન કરશે તો તે એક ઉમદા અને ઉદાહરણનિય કાર્ય લેખાશે. તેમણે પંચમહાલ જિલ્લા પોલીસ તરફથી ચિલ્ડ્રન હોમને પીવાના શુધ્ધ પાણી માટે આપવામાં આવેલા આર.ઓ. પ્લાન્ટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
જગદ્ ગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠાધીશ પ.પૂ. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજે બાળકોને આશિર્વચન સાથે બાલ દિનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પરમાત્મા સ્વરૂપ બાળકોની સમાજમાં ઉપેક્ષા થશે તો દેશનું ભાવી અંધકારમય બની જશે. રાજ્ય સરકારે ચિલ્ડ્રન હોમની સુવિધા સાથે અનાથ બાળકોને સુરક્ષા, અધિકારો સાથે છત્રછાયા પુરી પાડી સંવેદનાલભર જવાબદારી નિભાવી છે. સાથે અનાથ બાળકોના વાલી બની યોજનાઓથી સુપેરે લાભાન્વિત કર્યાં છે. મહારાજશ્રીએ પોતાના તરફથી ચિલ્ડ્રન હોમના બાનળકો માટે સોલાર વોટર હીટર આપવાની જાહેરાત કરી હતી.
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના ચેરમેન અને ન્યાયાધિશ શ્રી એસ.સી.પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે, માતા પિતા બાળકોને નાનપણથી જ સુસંસ્કારોનું સિંચન કરશે તો સામજિક ગુનાખોરીના દુષણને સમાજમાંથી દુર કરી શકાશે. આજના બાળકને આવતી કાલના સારા નાગરિક બનાવવા, બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘર-આંગણેથી જ સારૂં અને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે વાલીઓની જવાબદારી વિશેષ છે.
સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત જિલ્લાના બાળ સુરક્ષા એકમ અને બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ ઉજવણીમાં, માતા-પિતા ગુમાવી ચૂકેલા હાલોલના કૃપાબેન પંચાલ અને ઘોઘંબાના રોહનભાઇ વરીયાએ તેમના ઉચ્ચ અભ્યાસમાં આર્થિક પીઠબળ સમાન પુરવાર થયેલી સરકારની પાલક માતા પિતા યોજના વિશે અભિપ્રાય આપ્યા હતાં.
સમાજ સુરક્ષા ખાતા સંચાલિત ગોધરાના ચિલ્ડ્રન હોમની સ્થાપના વર્ષ ૧૯૬૩માં જુવેનાઇલ જસ્ટીસ એક્ટની કલમ ૫૦ મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં ૦ થી ૧૮ વર્ષ સુધીની વય ધરાવતા ૨૫ બાળકોને રાખવાની ક્ષમતા છે. હાલમાં ૧૬ બાળકો આશ્રય લઇ રહ્યાં છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી નિતિનભાઇ શાહ, સભ્ય શ્રી આનંદભાઇ ઘડિયાળી, ગોધરા પ્રાંત અધિકાશ્રી શ્રી વિશાલ સક્સેના, આમંત્રિત મહેમાનો, નાગરિકો અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.
સમારોહમાં શાબ્દિક સ્વાગત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જે.એચ.લખારાએ કર્યુ હતું જ્યારે સંચાલન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જે.પી.પંચાલે કર્યું હતું.