ગોધરામાં બહેરા મુંગા શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલી રાખડીઓનું વેચાણ થશે
દિવ્યાંગ બાળકોની કુશળતાને પ્રોત્સાહન આપવાનો જિલ્લા વહીવટીતંત્રનો એક સ્તુત્ય પ્રયાસ –કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલે રાખ઼ડી ખરીદી સ્ટોલનો શુભારંભ કરાવ્યો
ગોધરા, રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દર વર્ષની જેમ દુકાનો-બજારોમાં રાખડીઓની અવનવી વેરાયટી જોવા મળી રહી છે. જો કે આ તમામ વેરાયટીઝમાં એક રાખડી ખાસ ધ્યાન ખેંચી રહી છે, ગોધરાની ગાંધી સ્પેશ્યલ મૂક-બધિર શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલી રાખડીઓ.
કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલે સોમવારે આર્ટ ઓફ લિવિંગ અને પંચમહાલ વહીવટીતંત્રના સહયોગથી ગાંધી સ્પેશ્યલ મૂક-બધિર શાળાના બાળકોએ બનાવેલ રાખડીનાસ્ટોલનું ઉદઘાટન કર્યુ હતું, જે દિવસભર કચેરીના મુલાકાતીઓ અને કર્મચારીઓ- અધિકારીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. સ્ટોલ ખુલ્લો મૂકતા તેમણે જણાવ્યું હતું કે બાળકોએ કોઈ પ્રોફેશનલ રાખ઼ડી નિર્માતા બનાવે તેટલી સુંદરતાથી આ રાખડીઓ બનાવી છે. તેમણે ઉમેર્યું હતું કે બાળકો માટે રાખડીઓના નિર્માણ અને વેચાણનો આ અનુભવ આત્મવિશ્વાસ વધારનારો બની રહેશે. તેમણે સ્ટોલના પ્રથમ ગ્રાહક બનતા પોતાની દિકરી માટે રાખડીઓની ખરીદી કરી હતી અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને પણ ગાંધી શાળાના બાળકોની મહેનતના પરિપાકરૂપ બનેલી રાખડીઓ ખરીદવા અને આ પ્રોત્સાહન આપવા માટે અનુરોધ કર્યો હતો.
આર્ટ ઓફ લિવિંગ પરિવારના કવિતા પટેલે જણાવ્યું હતું કે બાળકોને રાખડીઓ બનાવતા શીખવાડવા પાછળનો હેતુ એ સાબિત કરવાનો હતો કે આ બાળકો અન્ય બાળકો જેટલા જ ટેલેન્ટેડ છે અને તક મળ્યે તેઓ પોતાના કૌશલ્યના જોરે અર્થોપાર્જન પણ કરી શકે છે. બાળકોના શિક્ષક નેહલ પટેલે જણાવ્યું હતું કે બાળકોએ સમગ્ર વિચારને ખૂબ ઉત્સાહપૂર્વક વધાવી લીધો હતો અને અભ્યાસની સાથે ત્રણ દિવસમાં લગભગ ૩૦૦ જેટલી રાખડીઓ તૈયાર કરી દીધી. જિલ્લા કલેકટર અને તંત્રનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે દિવસના અંતે ૫૦૦૦ કરતા વધુ રકમની રાખડીઓનું વેચાણ થયું હતું. રાખડીઓના વેચાણથી જે પણ રકમ મળશે તે બાળકોના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.સ્ટોલ સંભાળવાથી લઈને નાણાંની લે-વેચ જેવા કામ પણ વિદ્યાર્થીઓ તેમના શિક્ષકના માર્ગદર્શન હેઠળ જાતે જ કરશે, જે તેમના માટે સમૃદ્ધ અનુભવ બની રહેશે.
બાળકોએ બનાવેલી આ રાખડીઓની કિંમત રૂા.૧૫ થી શરૂ કરીને રૂા.૪૦ સુધીની રાખવામાં આવી છે. કલેકટર કચેરીમાં દર સોમવાર અને ગુરૂવારે તેમજ જિલ્લા પંચાયતમાં દર ગુરૂવારે આ બાળકો સ્ટોલ લગાડશે. આ ઉપરાંત, પહેલી ઓગસ્ટથી જિલ્લા પોલિસ વડાની કચેરી ખાતે તેઓ સ્ટોલ શરૂ કરશે. રાખડીઓના વેચાણ ઉપરાંત જો કોઈએ રાખડી કુરિયર કરવી હોય તો સ્ટોલ પરથી સીધા કુરિયર કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.