ગોધરામાં સીલ કરેલા પ કોમ્પ્લેક્સના મુદ્દે નગર પાલિકા બોર્ડની બેઠક મળી
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા નગરપાલિકા દ્વારા સીલ કરાયેલી પાંચ કોમ્પ્લેક્સ અને અન્ય કોમર્શીયલ મિલ્કતોનું નકશા મુજબ જ બાંધકામ થાય જે મુદ્દે ખાસ રિકવિઝીશન બોર્ડની બેઠક મળી હતી.
આ બેઠકમાં ૪૪ પૈકી ૨૯ પાલિકા સદસ્યોએ પાલિકા પ્રમુખને પાંચ મિલ્કતોના સીલ નહિં ખોલવા અને સીલ હોવા છતાં કામગીરી ચાલુ રાખનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરતી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે . ઉલ્લેખનીય છે કે એક મિલ્કતમાં હાલ કામગીરી કાર્યરત હોવાથી મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે .
જોકે પાલિકા પ્રમુખ દ્વારા બે મિલ્કતના સીલ ખોલવામાં આવ્યા હોવાની બાબતે પાલિકા પ્રમુખે વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ મિલ્કત નું સીલ અમારા દ્વારા ખોલવામાં આવ્યું નથી અને જેણે સીલ હોવા છતાં કામગીરી શરૂ કરી હશે તેની સામે જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે .
ગોધરા શહેરમાં કેટલાક કોમ્પ્લેક્સમાં બાંધકામના ધારાધોરણ ને અવગણી બાંધકામ કરવામાં આવતું હોવાની રજૂઆતો ઉઠવા સાથે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.જેનાબાદ તાજેતરમાં નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું અને પાંજરાપોળ , વિશ્વકર્મા ચોક , વ્હોરવાડ , પ્રભા જકાત નાકા અને મકન કુવા વિસ્તારમાં આવેલા પાંચ કોમ્પ્લેક્સને પાર્કિંગ સહિતની જોગવાઈઓનો ભંગ થતો હોવા મુદ્દે સીલ કરી કામગીરી બંધ કરાવી દેવામાં આવી હતી.
ત્યારબાદ વિશ્વકર્મા ચોક કોમ્પ્લેક્સ અને અન્ય એક મિલ્કત ધારક દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતાં જ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
બીજી તરફ પાલિકા પ્રમુખ દ્વારા આ મિલ્કતનું સીલ ખોલાવી કામગીરી શરૂ કરવા માટે પરમિશન આપવામાં આવી હોવાની ચર્ચાઓ સ્થાને રહી હતી.દરમિયાન સોમવારે ઉક્ત મુદ્દે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ખાસ રિકવિઝીશન બોર્ડ ( સામાન્ય સભા ) બોલાવવામાં આવી હતી .
સામાન્ય સભામાં અપક્ષ , મીમ અને કેટલાક ભાજપના મળી કુલ ૨૯ સભ્યોએ પરમિશન વિરુદ્ધ અને પાર્કિંગ સહીતની જોગવાઈનો ભંગ કરી કરવામાં આવતાં બાંધકામનો વિરોધ કરવા ઉપરાંત હાલ પાલિકા દ્વારા સીલ કરાયેલી પાંચ મિલ્કતોના સીલ નહિં ખોલવાના સમર્થન સાથે પાલિકા પ્રમુખને દરખાસ્ત કરવામાં આવી છે.
આ દરખાસ્તમાં હાલ મિલ્કત સીલ હોવા છતાં કામગીરી કરવામાં આવી રહી હોય તો જવાબદારો સામે કાયદેસર અને ફોજદારી રાહે પગલાં ભરવા તેમજ સીલ કરેલી મિલ્કતોના જોગવાઈ વિરુદ્ધ કરવામાં આવતાં હોવા છતાં સીલ ખોલવામાં આવશે અને ભવિષ્યમાં પાર્કિંગ કે અન્ય કોઈ હોનારતની ઘટના બનશે કે પ્રશ્નો ઉપસ્થિત થશે તો સભ્યોની કોઈ જવાબદારી રહેશે નહીં . વળી સભ્યો દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તના તમામ મુદ્દાઓનો અમલ કરવા પણ રાભ્યો માંગ કરી હતી.