Western Times News

Gujarati News

ગોધરામાં ACB નાં છટકામાં સૌ પ્રથમ વાર લાંચ લેનાર નહી પણ લાંચ આપનાર ઝડપાયો.

ગોધરાની લેબર કોર્ટમાં જજ ને બંધ કવરમાં લાંચ આપવાનો પ્રયાસ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગોધરાની મજૂર અદાલતમાં ચાલુ બોર્ડે જ જજ ને લાંચ આપવા આવેલા શખ્શ દ્વારા રૂ.૩૫,૦૦૦ ની લાંચ આપવાનો પ્રયાસ (ઓફર)કરવામાં આવ્યો હતો.
(પ્રતિનિધિ) ગોધરા ,ગોધરા બહુમાળી ખાતે આવેલી મજુર કોર્ટના જજને ચાલુ કોર્ટે બંધ કવરમાં રૂ.૩૫,૦૦૦ લાંચની રકમ આપવાનો પ્રયાસ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો સમગ્ર બનાવને લઈને કોર્ટ દ્વારા એસીબીને જાણ કરવામાં આવતા એસીબીએ લાંચ આપવા માટે શખ્સને દબોચી લીધો હતો અને અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી હતી સામાન્ય રીતે લાંચ કેસમાં લાંચીયા અધિકારી પકડાતા હોય છે પરંતુ આ કેસમાં ખુદ લાંચ આપવાનો પ્રયાસ કરનાર પોતે જ એસીબીની પકડમાં આવી જતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે કદાચ ગુજરાતમાં આવો પ્રથમ કેસ એસીબી ચોપડે નોંધાયો હોવાની પણ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
ગોધરા શહેરમાં કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગ ૨ માં લેબર કોર્ટ આવેલી છે.જ્યા આજ રોજ મહીસાગર જિલ્લાનાં વીરપુર તાલુકાના સરાડીયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકી એ ગોધરાની લેબર કોર્ટમાં ચાલુ બોર્ડ દરમિયાન જજ એચ.એ.મકા ને બંધ કવર માં રૂ.૩૫,૦૦૦ ની લાંચ આપવાનો પ્રયાસ ઓફર કરવામાં આવી હતી.જેમાં આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી પાનમ યોજના નાં ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં જે તે વખતે નોકરી કરતા હતા અને કોઈક કારણોસર છૂટા કરવામાં આવ્યા હતા.
અને તેઓના કેસ ની મુદતની સુનાવણી આગામી તા.૧૨.૧૨.૨૦૨૪ નાં રોજ હતી.જેથી તેઓના પક્ષે સુનાવણી થાય તે માટે આગોતરું આયોજન નાં ભાગ રૂપે આજ રોજ ગોધરાની લેબર કોર્ટમાં આવી ચાલુ બોર્ડમાં જ લેબર અદાલત નાં જજ ને  બંધ કવર માં રૂ.૩૫,૦૦૦ ની લાંચ આપવાનો પ્રયાસ ઓફર કરતા જજ દ્વારા તે કવર નહી સ્વીકારી કવર કોર્ટમાં ચાલુ બોર્ડમાં ખોલવા કહેતા બંધ કવરમાંથી રૂ.૩૫,૦૦૦ નીકળ્યા હતા.ત્યારે જજ દ્વારા બોર્ડના ક્લાર્ક ને આ મામલે ગોધરા ACB ને જાણ કરવામાં આવે તેમ કહેતા લેબર કોર્ટના બોર્ડ ક્લાર્ક દ્વારા ગોધરા ACB ને લેખિત ફરિયાદ કરતા ગોધરા ACB કોર્ટે આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી સામે બોર્ડ ઉપર પ્રિસાઇન્ડીગ ઓફિસર(ન્યાયાધીશ,મજૂર અદાલત,ગોધરા) ને લાંચ આપવાનાં પ્રયાસનાં ગુન્હામાં ભ્રષ્ટાચાર અધિનિયમ ની કલમ ૮ મુજબ ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.