Western Times News

Gujarati News

ગોધરા ખાતે મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર

(પ્રતિનિધિ) ગોધરા, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૮- પંચમહાલ સંસદીય મત વિસ્તાર માટે કલેકટર કચેરી,ગોધરા ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે.મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી અંતર્ગત આ સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક,પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ,જાહેરાતો સહિત આચારસંહિતા ભંગ અંગેના સમાચાર બાબતે રાઉન્ડ ધ કલોક નજર રાખીને રિર્પોટિંગ કરવામાં આવી રહ્યું છે.આ બાબતે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા કુલ ૧૮ કર્મચારીઓને ત્રણ શિફ્‌ટમાં ડ્‌યુટી ફાળવવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા ૧૮-પંચમહાલ સંસદીય મતદાર વિભાગ માટે નિયુક્ત થયેલા જનરલ ઓબ્ઝર્વર છોટે સિંગ (આઈ.એ.એસ)એ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આશિષ કુમાર સાથે મીડિયા સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચન કર્યા હતા.તેમણે સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું

કે,પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા મોનિટરિંગનું સઘન ચેકિંગ કરવામાં આવે તથા નિયમિત રિર્પોટિંગ અને કમિટીની બેઠક યોજીને યોગ્ય નિર્ણય અને અમલવારી કરવા સૂચન પણ કર્યું હતું.આ સાથે તેમણે કહ્યું કે, ઉમેદવારોએ જાહેરાત આપતા પૂર્વે ફરજિયાત એમ.સી.એમ.સી કમિટી પાસેથી પ્રિ-સર્ટિફિકેશન કરાવવાનું રહેશે આ માટે જરૂરી પગલા ભરવા જણાવ્યું હતું.

આ તકે મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક સુ પારુલ મણિયારે નિરીક્ષકને મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરિંગ અંગેની જાણકારીથી વાકેફ કર્યા હતા.આ સાથે ડેઇલી અને વિકલી રિપોર્ટ,સમાચારના પ્રેસ કલિપિંગ્સ,રેર્કોડિંગ બાબતે માહિતગાર કર્યા હતા.ખર્ચ નિરીક્ષકએ સમગ્ર કામગીરીને બિરદાવીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમાર,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,પ્રાયોજના વહીવટદાર અને જનરલ ઓબ્ઝર્વરના નોડલ અધિકારી ડી.આર.પટેલ સહિત ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.