ગોધરા ખાતે વિધવા સહાયના 954 લાભાર્થીઓને મંજૂરી હુકમ અને પોસ્ટ પાસ બુકનું વિતરણ
ગોધરા:પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને પોસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વિધવા સહાય કેમ્પમાં 954 લાભાર્થીઓને વિધવા સહાયના મંજૂરીપત્ર તથા તે માટે જરૂરી પોસ્ટ ઓફિસ એકાઉન્ટની પાસબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવાસદન ખાતે યોજાયેલ આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું કે સરકાર વિધવા બહેનોને આર્થિક મોરચે ચિંતામુક્ત બનાવવા કટિબદ્ધ છે. સરકારે 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર ધરાવતી વિધવા માતાઓને પણ વિધવા સહાય યોજનાનો લાભ આપવાનો નિર્ણય કરતા જિલ્લાની ઘણી વિધવા માતાઓને આ સહાય મળવાપાત્ર થઈ છે ત્યારે કોઈ પણ વિધવા બહેન માસિક રૂ.1250ની સહાય આપતી આ યોજનાનો લાભ મેળવવાથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર જિલ્લામાં વિધવા સહાય કેમ્પો યોજી સંવેદનશીલતા અને પારદર્શિતાને જિલ્લામાં પ્રસ્થાપિત કરી છે. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જિલ્લાની દરેક વિધવા લાભાર્થી બહેનને પોતાના તરફથી રૂ.200/- પ્રમાણેની સહાય આપવાની જાહેરાત પણ કરી હતી.
જિલ્લા સમાહર્તા શ્રી અમિત અરોરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે લાભાર્થીને વિધવા સહાય મંજૂરીનો હુકમ મળતાની સાથે જ સહાય મેળવવા અનિવાર્ય એવું પોસ્ટ એકાઉન્ટ તાત્કાલિક ખુલી જાય અને પાસબુક મળી જાય તેવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂરિયાત જણાતા પોસ્ટ વિભાગના સહયોગથી વિધવા સહાય કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર ગામમાં કોઈ પણ પુરુષનું અવસાન થાય ત્યારે મરણના દાખલાની સાથે જ લાગુ પડતા કિસ્સામાં વિધવા સહાય મંજૂરી હુકમ, વારસાઈ, સંકટમોચન સહાયની મંજૂરી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી જરૂરિયાતમંદ વ્યક્તિને સમયસર સરકારની સહાય ઉપલબ્ધ થઈ શકે.
આ પ્રસંગે ઉપસ્થિત વડોદરા રીજિનલ કચેરીના પોસ્ટ માસ્ટર જનરલ શૈલેન્દ્રકુમાર દ્વિવેદીએ ભારતીય પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપવા સાથે જિલ્લા પ્રશાસન સાથે સહયોગ કરી સરકારી યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા પોસ્ટ વિભાગ આગવી વ્યવસ્થા ઉભી કરશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ,પ્રાંત અધિકારી શ્રી વિશાલ સક્સેના સહિતના જિલ્લા વહીવટીતંત્ર અને પોસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ લાભાર્થી ભાઈ-બહેનો અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.