ગોધરા ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રોત્સાહન અને બેન્કર્સ પરિસંવાદ યોજાયો
વિવિધ ઔદ્યોગિક યોજનાના ૪૭ લાભાર્થીઓને રૂા. ૨.૪૬ કરોડના ચેકોનું વિતરણ
લક્ષ્યાંકથી વધુ સિધ્ધિ હાંસલ કરનાર બેન્કર્સોને એવોર્ડ એનાયત
ઔદ્યોગિક એકમો માટે પંચમહાલ જિલ્લાનું વાતાવરણ સાનુકૂળ છે
ગોધરા:પંચમહાલ જિલ્લો ઔદ્યોગિક એકમો માટે ખૂબ જ સાનુકૂળ વાતાવરણ ધરાવે છે. અહીં પુરતું માનવબળ, જરૂરી નાણાકીય ભંડોળ સહિતની તમામ આનુષંગિક સેવા-સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. ખાસ કરીને ક્રાફટ ઉદ્યોગો માટે ગ્રામ્ય વિસ્તારોની કુશળ મહિલાઓનો સુલભ સ્ત્રોત છે.
ગોધરાના, પંચમહાલ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝના હોલ ખાતે આયોજિત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSME પ્રોત્સાહન સહ બેન્કર્સ પરિસંવાદના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરાએ ઉપર મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગોની સ્થાપનાથી સ્થાનિક અર્થ વ્યવસ્થામાં વધારો થાય છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ ગુજરાતમાં જોવા મળે છે.
આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટમાં મોખરે છે. જિલ્લામાં હાલોલ ઔદ્યોગિક ક્ષેત્રમાં આગળ છે. તે સાથે કાલોલ અને ગોધરામાં પણ ઉદ્યોગોમાં સારો વિકાસ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં શહેરા અને જાંબુઘોડા વિસ્તારની જી.આ.ડી.સી. વિસ્તારમાં આ માટે બહોળો અવકાશ છે. આજે જિલ્લા સહિત દેશભરમાં યંગ સ્કીલ્ડ મેન પાવર સરળતાથી ઉપલબ્ધ છે ત્યારે ઉદ્યોગ સાહસિકોએ તેનો લાભ લેવો જોઇએ.
પંચમહાલ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી રમણભાઇ પટેલ, હાલોલ જી.આઇ.ડી.સી.ના મંત્રી શ્રી મુકેશભાઇ દેસાઇ અને બેન્ક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજર શ્રી ડી.આર.શર્માએ પરિસંવાદમાં ઉદ્યોગ સાહસિકો, લાભાર્થીઓ અને બેન્કર્સોને પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જના શ્રી ચેતન વ્યાસે ઉદ્યોગકારોને બેન્ક સિવાયના સ્ત્રોતોમાંથી નાણા ઉભા કરવા અને માલ ખરીદનાર પાસેથી રોકાયેલા પેમેન્ટને રીકવર કરવાના કાયદાઓનું માર્ગદર્શન આપ્યું હતું.
પરિસંવાદમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રી બાજપાઇ બેન્કેબલ યોજના, વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ, MSME અને કુટિર ઉદ્યોગના ૪૭ લાભાર્થીઓને રૂા. ૨.૪૬ કરોડના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વર્ષ ૨૦૧૮-૧૯માં લક્ષ્યાંક ઉપરાંત વધુ કામગીરી કરનાર બેન્કર્સોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતા. જેમાં પ્રથમ ક્રમે ગોધરાની અલ્હાબાદ બેંક શાખા અને દ્વિતિય સ્થાને બેન્ક ઓફ ઇન્ડિયા શાખા તેમજ ત્રીજા સ્થાને જાંબુઘોડા તાલુકાના વાવની બેન્ક ઓફ બરોડા શાખાને એવોર્ડ મળ્યા હતાં.
પંચમહાલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને અમદાવાદના ખાદી ગ્રામોદ્યોગ પંચ આયોજિત આ પરિસંવાદના સહ અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ અતિથિ વિશેષસ્થાને ખાદી બોર્ડના આસીસ્ટન્ટ ડાયરેક્ટર, ગોધરા અને કાલોલ જી.આઇ.ડી.સી.ના પ્રમુખો, જિલ્લાની લીડ બેન્ક-બેન્ક ઓફ બરોડાના મેનેજર શ્રી કિરણ ચૌહાણ, લાભાર્થીઓ અને બેન્કર્સો ઉપસ્થિત રહ્યાં હતા. પરિસંવાદમાં મહાનુભાવોનું અને ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી જે.બી.દવેએ કર્યુ હતુ.