ગોધરા નગરપાલિકાની સભામાં અધિકારીઓ સભ્યોના ફોન ન ઉપાડતા હોવાના આક્ષેપ
ગોધરા નગર પાલિકાની મળેલી ત્રિમાસિક સામાન્ય સભામાં અધિકારીઓ સભ્યોના ફોન ઉપાડતા નહીં હોવાના મુદ્દે વિપક્ષી સભ્યો નો હોબાળો
મહિલા સભ્યના પતિએ ઉપપ્રમુખ સામે વિકાસના કામોમાં ગેરરિતીના આક્ષેપ કરતા મામલો ગરમાયો
ગોધરા,ગોધરા નગર પાલિકાની મળેલી ત્રિમાસિક સામાન્ય સભામાં શહેરના વિકાસના ૪૩ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં . દરમિયાન વિપક્ષના સભ્યોએ પાલિકાના જવાબદાર અધિકારીઓ ફોન નથી ઉપાડતા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવતા સામાન્ય સભા તોફાની બની હતી . પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.
ગોધરાના સરદાર નગર ખંડમાં મળેલી ત્રિમાસિક સામાન્ય સભામાં શહેરના નાનામોટા વિકાસના ૪૩ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં . જે વેળાએ વિપક્ષના સભ્યોએ પાલિકાનો તગડો પગાર લેતા અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપો કરી લેખિત અને મૌખિકમાં વાંધો રજૂ કર્યો હતો.
જે અંગે પ્રમુખ અને મુખ્ય અધિકારીની ઉપસ્થિતિમાં અધિકારીને ડાયસ પર બોલાવી ખુલાસો માંગવામાં આવતા ભારે હોબાળો થતાં સામાન્ય સભા તોફાની બની હતી.વધુમાં વિપક્ષી સદસ્યોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે , અધિકારીઓ સમયસર ફરજ પર હાજર રહેતા નથી . જેના કારણે વિકાસના કામોમાં અડચણ ઊભી થાય છે . સામાન્ય લોકોને પણ ધક્કા ખાવા પડે છે .
જેથી આવા અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.મહિલા સદસ્યના પતિ દ્વારા પાલિકાના ઉપપ્રમુખ સામે વિકાસના કામોમાં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવતા મામલો ગરમાયો હતો . આખરે હોબાળો કરનાર વ્યક્તિને બહાર કાઢી સામાન્ય સભા આગળ વધારવામાં આવી હતી . સામાન્ય સભામાં મોટાભાગના પાલિકા સદસ્યો હાજર રહ્યા હતા અને ગણતરીની મીનીટોમાં બોર્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું.
સામાન્ય સભા શરૂ થતા પહેલા વિપક્ષ મહિલાના સભ્યના પતિએ સભા ખંડમાં આવી ને ઉપપ્રમુખ કોન્ટ્રાકટરનો ભાગીદાર હોવાનો આક્ષેપ કરીને મજાવર રોડ જાણી જોઇને બનાવાતો નથી તેવો આક્ષેપ કરતાં એક મહિલા સભ્યના પતિને સભા ખંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા . જયારે મહિલા સભ્યના પતિના આક્ષેપ ખોટા અને પાય વિહોણા હોવાનું ઉપપ્રમુખ અક્રમ પટેલે જણાવ્યું હતું .
તસ્વીર: મનોજ મારવાડી