ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

ગોધરા, દેશનાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની પંચમહાલ જિલ્લાનાં વડામથક ગોધરાનાં પોલીસ પરેડ ગ્રાંઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં જોમ-ઉમંગ સહિત રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ત્રિરંગાને ફરકાવી સલામી આપી હતી.
જિલ્લા કક્ષાની ઉજવણીમાં સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ આઝાદીના લડવૈયાઓ, અનેક નામી અનામી શહીદ નરબંકાઓ વિશે નવી પેઢીએ અંગ્રેજો સામેની આઝાદીની લડતથી વાકેફ થવું જોઇએ. આ આઝાદી આપણે અનેક લોકોની શહીદી થકી મળી છે. આઝાદી વખતે વિભાજનની ભયંકર પરિસ્થિતિ અને લોકોની થયેલી ખુવારીને ન ભૂલવી જોઇએ. અંગ્રેજોએ ભાગલાવાદી નીતિ અપનાવી હતી.
આપણે એ વાત યાદ રાખીને જાતિ-ધર્મ-પ્રદેશ દરેકથી ઉપર રાષ્ટ્રને ગણવું જોઇએ અને એ વાત હંમેશા યાદ રાખવી જોઇએ કે જે લોકો પોતાના ઇતિહાસને ભૂલી જાય છે તે રાષ્ટ્રનો નાશ થાય છે.કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો રાજ્ય સરકાર સુસજ્જ છે. અત્યારે રાજ્યમાં સરકારી હોસ્પીટલો સહિત અનેક જગ્યાએ નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી ૪૦૦ મેટ્રીક ટન નવા ઓક્સિજન માટેની ક્ષમતા પ્રાપ્ત કરી છે.આ ઉપરાંત ૨૦૦૦ નવા વેન્ટિલેટરની પણ ખરીદી તાજેતરમાં કરવામાં આવી છે.
તેનો જથ્થો આવવાની પણ શરૂઆત થઇ ગઇ છે. જેનાથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત વધુ સજ્જ થયું છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ શિસ્તબદ્ધ ઉભેલા પોલીસ જવાનોએ હવામાં ગોળીબાર કરીને હર્ષધ્વનિ કર્યો હતો. ત્યાર બાદ રાષ્ટ્રગાનની ધુન વગાડવામાં આવી હતી.
જયારે ઉપસ્થિત નાગરિકો રાષ્ટ્રગાનનાં સન્માનમાં ગૌરવભેર ઉભા રહ્યાં હતા. ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પશંસનીય કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ-જવાનો તેમજ કોરોના વોરિર્યસનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું હતું. આ ઉપરાંત કલેક્ટરને જિલ્લાના વિકાસકાર્યો માટે રૂ. ૨૫ લાખનો ચેક પણ અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, સુમનબેન ચૌહાણ, ધારાસભ્ય સી.કે. રાઉલજી, ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ, ગોપાલસિંહ, રેન્જ આઇજી એન.એસ. ભરાડા, પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.