ગોધરા હાઇવે પર વેપારીઓની સ્વંય દબાણો હટાવો ઝુંબેશ
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના ભૂરાવાવ ચોકડીથી ભામૈયા જકાત નાકા સુધી હાઇવે માર્ગની બંને બાજુ ૨૧ મીટર હદમાં કરાયેલા કાચા પાકા દબાણ દૂર કરવાની તંત્રની ઝુંબેશને મંગળવારે ખુદ અહીંના સ્થાનિક વેપારીઓએ જ ઉપાડી લીધી હતી . તંત્રની ટીમ પોલીસ બંદોબસ્ત અને જેસીબી સહિતના સાધનો લઈ દબાણ દૂર કરવા માટે પહોંચી હતી
દરમિયાન જ ગોધરા ધારાસભ્ય અને પાલિકા પ્રમુખે દરમિયાનગીરી કરી પ્રાંત અધિકારીને રજુઆત કરતાં વહીવટી તંત્રની ટીમ તમામ તામજામ સંકેલી પરત ફરી હતી . બીજી તરફ વેપારીઓએ સ્વંય ભૂ હાઇવે માર્ગની મધ્યેથી બંને બાજુએ ૧૫ મીટરની માપણી કરી દબાણો દૂર કરવાનો પ્રારંભ કરી દીધો છે .
થોડા દિવસો અગાઉ જ ગોધરા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકા , માર્ગ મકાન , સીટી સરવે સહિતના અધિકારીઓની ટીમ આ વિસ્તારમાં પહોંચી હતી અને હાઈવેની મધ્યેથી બંને બાજુ ૨૧ મીટર માર્જીનમાં માપણી કરી રેખાંકન અને સાથે જ જેસીબી વડે કેટલાક દબાણો દૂર કરાયા હતા .
જેનાબાદ તંત્ર દ્વારા બીજા તબક્કામાં દબાણ દૂર કરવાના આયોજન પૂર્વે જ પાલિકા કેટલાક – સદસ્યોઅને વિસ્તારના વેપારીઓએ પ્રાંત અધિકારી પાસે રૂબરૂ મુલાકાત કરી દબાણ જાતે જ દૂર કરી દેશે અને ૨૧ મીટર માર્જીનમાં તમામના રોજગારને અસર પહોંચશે એવી રજુઆત કરી હતી .
બીજી તરફ ઉક્ત મુદ્દે પાલિકા પ્રમુખે કલેકટર અને પ્રાંત અધિકારીને દબાણ હટાવવા અંગે વેપારીઓ અને પાલિકા સભ્યોની તરફેણમાં રજુઆત કરી હતી . આ ગતિવિધિઓ બાદ મંગળવારે વહીવટી તંત્ર દ્વારા આ માર્ગ ઉપર દબાણ હટાવવાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત , જરૂરી મશીનરી અને પાલિકા , એમજીવીસીએલ ટીમ , માર્ગ મકાન વિભાગ , સીટી સરવેના અધિકારીઓની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી .
પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ગોધરાના ભૂરાવાવ ચોકડી વિસ્તારમાં ડાબી બાજુએ આવેલી હોટેલ પાસેથી તંત્રની ટીમે હાઈવેની મધ્યેથી ૨૧ મીટરની માપણી શરૂ કરી દબાણ હટાવવાની કામગીરીની શરૂઆત કરતાજ તે દરમિયાન ગોધરા નગરપાલિકા પાલિકા પ્રમુખ સંજય સોની આવી પહોંચ્યા હતા
અને પ્રાંત અધિકારી સમક્ષ વેપારીઓ જાતે ૧૫ મીટર માર્જીન સુધીના દબાણ દૂર કરી લેશે અને અન્ય છ મીટર માર્જીનમાં આવતાં દબાણો અંગે પાલિકા દબાણ કર્તાઓને નોટિસ આપી કરશે એવી રજુઆત કરી હતી.