ગોપાલક હાઈસ્કુલ ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
પાટણ: પાટણ શહેરના માતરવાડી સ્થિત શ્રી એસ.એમ.દેસાઈ ગોપાલક હાઈસ્કુલ ખાતે જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વ્યસનથી દૂર રહી નશામુક્ત જીવન જીવવા તથા સ્વચ્છતા જાળવવા નેમ વ્યક્ત કરી હતી.
સમારોહના અધ્યક્ષ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.ટી.સોનારાએ જણાવ્યું કે, પહેલાના સમયમાં શિક્ષણ અને જાગૃતિના અભાવે સમાજનો એક મોટો વર્ગ નશાકારક પદાર્થોનું સેવન કરતો હતો. આજે શિક્ષણ સર્વપ્રાપ્ય બન્યું છે ત્યારે યુવાનોએ સોશિયલ મિડીયાના વધતા જતા પ્રભાવ વચ્ચે નશાખોરીથી અલિપ્ત રહી શિક્ષિત અને સભ્ય સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનું છે.
આ કાર્યક્રમમાં પ્રાસંગીક ઉદ્બોધન કરતાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી.ઝાલાએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વ જ્યારે ગાંધીજીના સિદ્ધાંતોનું અનુસરણ કરે છે ત્યારે તેમના નશાબંધીના વિચારો અને આદર્શોને અમલમાં મુકીને જ પૂજ્ય બાપુને સાચી ભાવપૂર્ણ અંજલી આપી ગણાશે. વ્યસનોના વમળમાં ફસાઈને વ્યક્તિ શારીરીક, માનસિક અને આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. આપ સૌએ વિદ્યાર્થીકાળથી જ વ્યસનમુક્તિ અને નશાથી દૂર રહી ચોક્કસ લક્ષ્ય સાથે ચાલીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે.
આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન કરતાં નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રી એસ.કે.દવેએ જણાવ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સામાજિક ઉત્કર્ષ માટે ઘડેલા પાયાના સિદ્ધાંતો પૈકી નશાબંધી સૌથી મહત્વની બાબત છે. નશાખોરીના કારણો પાછળ સંજોગો નહીં પણ વ્યક્તિ પોતે જવાબદાર હોય છે. આપણી પાસે એવા ઘણા ઉદાહરણ છે જેઓ વિપરીત પરિસ્થિતીઓમાં પણ નશાખોરીથી દૂર રહી સંઘર્ષ કરી જીવનને સફળ બનાવ્યું છે.
શ્રી એસ.એમ.દેસાઈ ગોપાલક હાઈસ્કુલ ખાતે મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યશ્રી રેવાભાઈ દેસાઈ દ્વારા મહાનુભાવોનું સુતરની આંટી અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગાંધીજીના આદર્શોને સાર્થક કરવાની નેમ સાથે વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવા, સ્વચ્છતા જાળવવા તથા નશાખોરીથી દૂર રહેવા શપથ ગ્રહણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગ ૦ર ઓક્ટોબરથી ૦૮ ઓક્ટોબર સુધી જિલ્લાના વિવિધ સ્થળોએ સ્લોગન સ્પર્ધા, શેરી નાટક, ભવાઈ તથા શિબિરો યોજી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં નશાબંધી અને આબાકારી વિભાગના સબ ઈન્સ્પેક્ટરશ્રી એચ.વી.પટેલ તથા સ્ટાફ, જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશશ્રી કે.આર.ગજ્જર, શાળાનો શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.