ગોમતીપુરમાં જુગારધામ પર સેટ મોનીટરીંગ સેલનો દરોડો: મહિલા સહિત ૨૧ પકડાયા
૬૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં ઠેર ઠેર દારૂ અને જુગારનાં અડ્ડા ચાલે છે. કેટલાંક હપ્તાખોર પોલીસ કર્મીઓની રહેમ નજરને કારણે આવાં ગેરકાયદેસર ધંધા ફુલ્યા ફાલ્યાં છે. જેને પગલે કેટલીક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ આવાં અડ્ડાઓ ઉપર દરોડા પાડીને મોટી કાર્યવાહી કરતી હોય છે. આવી જ કાર્યવાહી ગોમતીપુર વિસ્તારમાં કરવામાં આવી છે અને સ્ટેટ મોનીટરીંગ સેલે તીનબત્તી નજીકથી ૨૧ જુગારીઓને ઝડપીને ૬૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્તો કર્યાે છે.
આ અંગેની વિગત એવી છે કે સ્ટેટ મોનીટરીંગ સેલનાં એએસઆઈ તખતસિંહ પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા એ વખતે ગોમતીપુરમાં મોટાપાયે જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેને પગલે તેમણે સોમવારે રાત્રે તીનબત્તી પાસે, મદની મહોલ્લામાં આવેલી અમી મંઝીલમાં દરોડો પાડ્યો હતો. પોલીસને જાેઈ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. અને કેટલાંક ઈસમો નજીકનાં મકાનોમાં સંતાઈ ગયા હતા. પોલીસે તમામને પકડી લાવી હતી.
એક મહિલા સહિત કુલ ૨૧ શખ્સોને ઝડપી લેવાયા હતા. જેમાં માયાબેન અગ્રવાલ અને જુગારધામનો સંચાલક મુનીરખાન પઠાણ સામેલ છે. પોલીસ તપાસમાં આ જુગારધામનો મુખ્ય સંચાલક શબ્બીર હુસેન ઉર્ફે ક્વાર્ટર અલ્લારખા શેખ (સમશેર બાગ, ગોમતીપુર) હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે દરોડાનાં સ્થળેથી રોકડ ૩૨,૩૫૦ ૧૨ મોબાઈલ ફોન, સટ્ટા સ્લીપ બુકો, સહિત કુલ ૬૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.