ગોમતીપુરમાં રૂપિયા માટે પુત્રએ માતાનું ગળુ દબાવી મારી નાખવાની ધમકી આપી
(પ્રતિનિધિ) અમદાવાદ, ૬ર વર્ષીય વૃધ્ધાને રૂપિયા માટે સગા દિકરાએ દબાણ કરીને પોતે આત્મહત્યા કરવાની કે વૃધ્ધાને મારી નાખવાની ધમકીઓ આપતા વૃધ્ધા પોતાની દિકરીઓ સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી આ દિકરાએ માતા સાથે ખરાબ વ્યવહાર કરતા તે ઘર છોડીને નોકરીના સ્થળે રહેતી હતી.
આ ઘટના અંગેની વિગત એવી છેકે ચાર સંતાનોને મોટા કરી તમામના લગ્ન કરાવ્યા બાદ ઈન્દુબેન શીવાજી દુબે (૬ર) પટવા શેરી, ગોમતીપુર ખાતે પોતાના દિકરા ભરત સાથે રહેતા હતા. જાેકે મકાન પચાવી પાડવા ખાતર ભરત તેમને જમવાનું આપતો ન હતો ઉપરાંત અવારનવાર ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતા ઈન્દુબેન છેલ્લા ત્રણ વર્ષથી નવરંગપુરામાં રસોઈ કરી ગુજરાન ચલાવતા અને ત્યાં જ રહેતા હતાં.
એક વર્ષ અગાઉ તેમનું પગનું ઓપરેશન કરાવવા માટે દીકરીએ ચાર લાખ રૂપિયા આપ્યા હતા જેમાંથી ઈન્દુબેને એક લાખ ચાલીસ હજાર રૂપિયા પરત કર્યા હતા જેની જાણ થતાં પુત્ર ભરતે તેમને ઘરે બોલાવીને રૂપિયા પરત માંગવા કહ્યું હતું
જેથી ઈન્દુબેને ના પાડતાં ભરતે તેમને ગાળો બોલીને વકીલ દ્વારા નોટીસ મોકલવાની અને ત્રણ બહેનોનું ઘર ખરાબ કરવાની તથા ઈન્દુબેનનું ગળુ દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ગભરાયેલા ઈન્દુબેન ત્યાંથી જતા રહયા હતા. બાદમાં ભરત તેમના કામના સ્થળે પણ આવીને ઝઘડો કરતાં ઈન્દુબેને છેવટે દિકરીઓ સાથે મળી ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં દિકરા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે.