ગોમતીપુરમાં સરકારી દવાખાનામાં ચોર ત્રાટક્યા કોમ્પ્યુટર અને પંખા સહિતનો સામાન ચોરી ગયાં
અમદાવાદ: શહેરમાં ચોર અને તસ્કરો બેફામ બન્યાં છે. રહેણાંક વિસ્તારો અને દુકાનોને શિકાર બનાવતાં ચોરોની હિંમત ખૂલતાં વે ગોમતીપુરમાં આવેલાં એક સરકારી દવાખાનામાં ચોરી કરવાની ઘટના બનતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. બારીનો કાચ તોડી દવાખાનામાં પ્રવેશેલાં ચોરોએ કોમ્પ્યુટર તથા અન્ય કિંમતી સામાનની ચોરી કરી હતી. જેની ફરીયાદ ફરજ પરનાં ડોક્ટરે નોંધાવી છે.
સામાન્ય રીતે ચોર અને તસ્કરો સરકારી મિલ્કતોને નુકસાન પહોંચાડવાને બદલે ઘર અને ઓફીસોને ટાર્ગેટ કરતાં હોય છે. પરંતુ ક્યારેક સરકારી ઓફીસોમાં પણ ચોરીની ઘટના બનતી હોય છે. આવી જ ઘટના ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાનની સામે આવેલાં ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ ખાતાના કામદાર રાજ્ય વિમા યોજનાના દવાખાનામાં બની છે. મુખ્ય તબીબી અધિકારી વર્ગ-૨ તરીકે ફરજ બજાવતાં ડોક્ટર ગીરીશભાઈ પંચાલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે દવાખાનામાં આઠ કર્મચારીઓ ફરજ બજાવે છે.
શનિવારે સાંજે નિત્યક્રમાનુસાર દવાખાનું બંધ કરીને સોમવારે સવારે તમામ સ્ટાફ દવાખાને આવ્યો ત્યારે ઓફીસ રૂમનું તાળું તુટેલું હતું અને ફાર્માસીસ્ટ રૂમની બારી પણ તુટેલી હતી. અંદર તપાસ કરતાં ફાર્માસીસ્ટ રૂમની અંદર મુકેલાં કોમ્પ્યુટર અને કેશ બારીનાં રૂમમાંથી પણ બે કોમ્પ્યુટરનો સેટ ગાયબ હતો. વધુ તપાસ કરતાં અન્ય રૂમમાં મુકેલાં જુના પંખા પણ ચોરાયેલા જણાયા હતાં. આ ઘટના બાદ ગીરીશભાઈએ તુરંત જ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.