ગોમતીપુરમાં ઇકબાલ શેખ ને 4-0ની સરસાઈ

ગોમતીપુર વોર્ડમાં ભાજપની આખી પેનલની હારી: સતત ચાર વખત ચૂંટણી હારવાનો વિક્રમ ભાજપના ઉમેદવાર અશોક સામેત્રિયાના નામે બન્યો છે
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, ગોમતીપુર વોર્ડમાં ભાજપ પેનલની હાર થઈ છે સાથે- સાથે ભાજપના ઉમેદવાર અશોકભાઈ સામેત્રિયાએ એક જ ઉમેદવાર સામે ચોથી વખત ચૂંટણી હારવાનો વિક્રમ બનાવ્યો છે.
ર૦૦૦ની સાલમાં અશોક સામેત્રિયા કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડયા હતા તે સમયે તેઓ અપક્ષ ઉમેદવાર ઈકબાલ શેખ સામે ચૂંટણી હાર્યા હતા ત્યારબાદ ર૦૦પમાં ઈકબાલ શેખ કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડયા હતા ત્યારે તેમની સામે અશોક સામેત્રિયા અપક્ષ ઉભા રહયા હતા.
તેમાં પણ તેમની હાર થઈ હતી, ર૦૧૦ની ચૂંટણીમાં તેઓ ભાજપમાંથી ચૂંટણી લડયા હતા તે સમયે તેમની સામે ઈકબાલ શેખ કોંગ્રસમાંથી લડી રહયા હતા આ જંગમાં પણ અશોક સામેત્રિયાની હાર થઈ હતી. ર૦ર૧માં વધુ એક વખત આ બંને આમને સામને આવ્યા હતા જેમાં પણ ઈકબાલ શેખ સામે ભાજપના અશોક સામેત્રિયા ચૂંટણી હારી ચુકયા છે.

આમ એક જ ઉમેદવાર સામે સતત ચાર વખત ચૂંટણી હારવાનો વિક્રમ ભાજપના ઉમેદવાર અશોક સામેત્રિયાના નામે બન્યો છે.
નોંધનીય છે કે અશોક સામેત્રિયા ર૦૦૭માં બસપાના મેન્ડેટ પર વિધાનસભા ચૂંટણી લડયા હતા જેમાં પણ તેમની હાર થઈ હતી.