ગોરખપુરમાં ‘શોલે’ ફિલ્મ જેવો કિસ્સો બન્યોઃ નારાજ પત્નિ વિજળીના થાંભલા પર ચઢી
પ્રેમીને ઘરમાં રાખવાના પતિના વિરોધ સામે પત્નિ વીજળીના થાંભલા પર ચઢી
(એજન્સી)ગોરખપુર, ‘શોલે’ ફિલ્મમાં હીરો ધર્મેન્દ્ર પ્રેમિકા બસંતી (હેમામાલિની)ને મેળવવા માટે પાણીની ટાંકી પર ચડીને આત્મહત્યા કરવાની ધમકી આપે છે અને પ્રેમિકાને મેળવવામાં સફળ પણ રહે છે. ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં જીવનમાં આનાથી પણ ચડી જાય તેવી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
આ ઘટનામાં એક પરિણીત પ્રેમિકા તેના પ્રેમીને પોતાના ઘરમાં રાખવા માટે પતિ સામે જીદે ચડે છે અને પતિ ન માનતા તે વીજળીના થાંભલા પર ચડીને આત્મહત્યા કરી લેવાની ધમકી આપે છે. જોકે આ મહિલાને સમજાવીને ઉતારી લેવામાં આવે છે અને એક હાઇવોલ્ટેજ ડ્રામાનો સુખદ અંત આવે છે. આ પરિણીત ૩૪ વર્ષીય મહિલા પોતાના પડોશી ગામના એક પુરુષના પ્રેમમાં પાગલ થઇ જાય છે.
તેના પતિને બન્નેના અફેરની જાણ થતાં તે વિરોધ કરે છે તો મહિલા લાજવાને બદલે ગાજે છે અને એ પ્રેમીને પોતાના ઘરે લાવવા માટે જીદે ચડે છે અને બ્લેકમેઇલ કરવાનો ખેલ કરે છે. આ ઘટનાક્રમમાં તે વીજળીના થાંભલા પર પણ ચડીને મરવાની ધમકી આપે છે. આ મહિલા પડોશી ગામના એક પુરુષ સાથે છેલ્લાં સાત વર્ષોથી સંબંધોમાં હતી. તેના પતિને તેની જાણ થતા તેણે વિરોધ કર્યો હતો.
મહિલાએ ઉલટાનું પ્રેમીને ઘરમાં રાખવાની વાત કરી હતી અને કહ્યું હતું કે એ ઘરની દેખરેખ સહિતનું કામ કરશે. જોકે પતિ તેનો વિરોધ કરીને ઘરથી બહાર નીકળી ગયો હતો. મહિલાનો વીજળીના થાંભલા પર ચડી જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મહિલાને થાંભલા પર ચડેલા જોઇને આજુબાજુમાંથી લોકોની ભીડ એકત્ર થઇ હતી અને મહિલા કંઇ કરી ન બેસે તેની ચિંતા કરવા લાગ્યા હતા અને તેને સમજાવવા લાગ્યા હતા. લોકોએ પોલીસ અને વીજળી વિભાગને તેની જાણ કરી હતી. બન્ને વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. વીજળી વિભાગે સાવચેતીના પગલારૂપે વીજળી કાપી નાખી હતી અને તેને થાંભલાથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારે જહેમત બાદ તે મહિલા નીચે ઉતરવા તૈયાર થઇ હતી અને તમામના જીવમાં જીવ આવ્યો હતો.