ગોલ્ડન કટાર ડિવિઝને કારગિલ વિજય દિવસની ઉજવણી કરી
અમદાવાદ, ‘કારગિલ વેટરન્સ એન્ડ નેક્સ્ટ ઑફ કિન (એનઓકે) આઉટરિચ નામનાં લેહથી અમદાવાદ સુધીનાં મોટરસાયકલ અભિયાનને 21 જૂન, 2019નાં રોજ લેહથી લીલી ઝંડી આપવામાં આવી હતી, જેનો આશય કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ ઉજવવાનો હતો. આ વિશેષ અભિયાન વર્ષ 1999માં કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાનાં વિજયની ઉજવણી કરવા યોજાયું હતું, આ અભિયાન ‘વીર નારીસ’ અને નેક્સ્ટ ઑફ કિન (એનઓકે) સાથે જોડાયેલું હતું તેમજ 26 જુલાઈ, 2019નાં રોજ તેઓ અમદાવાદ પહોંચ્યાં હતાં.
અભિયાનની ટીમનું સ્વાગત અમદાવાદમાં ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ કર્યું હતું, જેમણે ટીમને ઉષ્માસભર આવકાર આપ્યો હતો તથા અભિયાન સલામત રીતે, સફળતાપૂર્વક અને ફળદાયક રીતે સંપન્ન થવા પર સભ્યોને અભિનંદન પાઠવ્યાં હતાં.
આ અભિયાનની ટીમમાં એન્જિનિયર રેજિમેન્ટનાં કેપ્ટન શૌનક ભાટે અને કેપ્ટન વિષ્ણુ નાયરની આગેવાનીમાં છ યુવાન રાઇડર સામેલ હતા. અભિયાનમાં ટીમે 3150 કિલોમીટરની સફર ખેડી હતી અને તેઓ સાત રાજ્યો હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થયાં હતા, જ્યાં મોટા ભાગનાં ભૂતપૂર્વ સૈનિકો વસે છે.
અભિયાનની ટીમ ભૂતપૂર્વ સૈનિકો, એનઓકે, યુવાનો અને સૈન્ય દળોને મળી હતી અને તેમની સાથે જોડાઈ હતી.ટીમે કુલ 12 શાળાઓ અને 4 કોલેજોની મુલાકાત લીધી હતી તથા યુવાનોને કારગિલ યુદ્ધ દરમિયાન દુશ્મન પર વિજય મેળવવા માટે સૈન્ય દળોએ કરેલા બલિદાન વિશે જાણકારી આપી હતી. તેમણે યુવાનોને સૈન્ય દળોમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવા પ્રેરક ફિલ્મો દેખાડી હતી અને પ્રેરક વાતો કરી હતી. માહિતી આપતા પેમ્ફલેટ પણ વહેંચવામાં આવ્યાં હતા, જેમાં ‘ભારતીય સેનામાં કેવી રીતે જોડાવું’ એની જાણકારી આપવામાં આવી હતી.
ગોલ્ડન કટાર ડિવિઝન વોર મેમોરિયલ પર પુષ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી અને મેજર જનરલ સંજીવ શર્મા, જીઓસી, ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. કારગિલ વિજય દિવસની ઉજવણી કરવા માટે ગોલ્ડ કટાર ડિવિઝને તમામ નાગરિકો માટે એક મોટાં શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય સેનાનાં વિવિધ શસ્ત્રસરંજામ જોઈને નાગરિકો રોમાંચિત થયાં હતા.