ગોલ્ડન ઝભ્ભો અને ધોતીમાં પ્રધાનમંત્રી અયોધ્યા જવા રવાના થયા
નવી દિલ્હી, બુધવારે અયોધ્યામાં ભવ્ય અને ઐતિહાસિક રામંદિરનું ભૂમિપૂજનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫મી ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન કરવા અયોધ્યામાં ૩ કલાક સુધી રહેવાના છે. ૧૨ઃ૩૦ વાગ્યે ભૂમિપૂજન શરૂ થશે, જે ૧૦ મિનિટ સુધી ચાલશે. ત્યાર બાદ વડાપ્રધાન સમારોહમાં જોડાશે. આ કાર્યક્રમ લગભગ સવા કલાક સુધી ચાલશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમવારે અયોધ્યા સીલ કરી દેવાયું છે. મોદી અહીં પારિજાતનો એક છોડ રોપશે. આજે નવી દિલ્હીના એરપોર્ટ પરથી ગોલ્ડન ઝભ્ભા અને ધોતી પહેરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયુસેનાના વિમાનમાં સવારે લગભગ 9.00 કલાકે અયોધ્યા જવા રવાના થયા હતા.
ભૂમિપૂજન સમારોહના દેશમાં જીવંત પ્રસારણ માટે દૂરદર્શન અને એએનઆઇના ૪૮થી વધુ અત્યાધુનિક કેમેરા લગાવાયા છે. બંનેની હાઇટેક એચડી ઓબી વેન પરિસરમાં હાજર છે. દૂરદર્શન અને એએનઆઇના ૧૦૦થી વધુ સભ્ય પરિસરમાં હશે, જેમના કેમેરા સમારોહનું જીવંત પ્રસારણ કરશે.
૪ ઓગસ્ટના અયોધ્યાના દીપોત્સવ અને બીજા કાર્યક્રમો માટે દૂરદર્શન તથા અન્ય ટીવી ચેનલોની ૪ ઓબી વેન રામ કી પૈડીમાં ૩ દિવસથી તૈયાર રખાઇ છે. જન્મભૂમિ પરિસરમાં તૈયાર થનારા મંચ પર પીએમ નરેન્દ્ર મોદી સાથે ખાસ અતિથિના રૂપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર હશે.
બીજી તરફ તૈયારીઓની સમીક્ષા કરવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે કોરોના પ્રોટોકોલનું કડકાઇથી પાલન થશે. માત્ર જેમને આમંત્રિત કરાયા હોય તેઓ જ અહીં આવે. વડાપ્રધાન મોદી અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણનો પાયો મૂકશે તે ઐતિહાસિક ક્ષણ હશે. યોગીએ દેશની જનતાને દીવા પ્રગટાવવા આહવાન કર્યું. અભિજિત મુહૂર્ત હોવાના કારણે મંદિર નિર્માણમાં કોઇ અવરોધ નહીં આવે.