ગોળીની ઇજાની સાથે સાધુનો મૃતદેહ મળતા ભારે ચકચાર
અમદાવાદ : જૂનાગઢના ભવનાથ તીર્થક્ષેત્રમાં આવેલા જુના અખાડા નજીકથી કેવલગીરી નામના સાધુનો ગોળી મારેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આ સમગ્ર પ્રકરણમાં હત્યા છે કે, આત્મહત્યા તે મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સાધુના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
બીજીબાજુ, ગિરનારની પરિક્રમા પહેલા સાધુની લાશ મળતાં જૂનાગઢના સાધુ અને સંત સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત જાવા મળ્યા હતા. એવી ચર્ચાએ પણ જાર પકડયું હતું કે, સાધુ કેવલગીરી પિસ્તોલ જોતા હતા ત્યારે રમત રમતમાં ગોળી છૂટતા અકસ્માતે તેમને વાગતા મોત નીપજ્યું હતું.
જા કે, આ કેસમાં સામે આવી રહેલી વિગતો મુજબ, કેટલાક શખ્સો રાત્રે સાધુની ઝૂંપડીએ એકઠા થયા હતા. એમાંનો એક તેની પીસ્તોલ લઈને આવ્યો હતો. એ જોતી વખતે અચાનક જ ગોળી છૂટી હતી અને સાધુને વાગી હતી. સાધુ એકલા જ રહેતા હતા અને જૂના અખાડાની પ્રેરણાધામ જવાના રસ્તે સંતશ્રી ત્રિકમસાહેબની જગ્યાને અડીને વોકળાનાકાંઠે પતરાવાળી ઝૂંપડીમાં રહેતા હતા. તેમને કૂતરાં પાળવાનો શોખ હતો. પોલીસે હવે આ તમામ બાબતો અને વિગતોની ખરાઇ કરવાની દિશામાં તપાસ હાથ ધરી છે. વળી, આ કેસમાં સાધુની હત્યા છે કે, આત્મહત્યા કે અનાયાસે ગોળી છૂટતાં તેમનું મોત થયું છે તેનું સાચુ કારણ બહાર લાવવાની દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો, પોલીસે એક શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.