ગોળીબાર બાદ કાબુલ એરપોર્ટ પર મચેલી ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા

કાબુલ, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ કાબુલમાં સ્થિતિ વણસી છે. અફઘાનિસ્તાનથી નીકળવાનો ફક્ત એક જ રસ્તો બચ્યો છે અને તે છે કાબુલ એરપોર્ટ. પરંતુ ત્યાં પણ ફાયરિંગ થયા બાદ સ્થિતિ બગડી છે. ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર મચેલી ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. આ ઉપરાંત કાબુલમાં અમેરિકી દૂતાવાસ પાસે ધડાકા થયા હોવાના પણ અહેવાલ છે. હાલ અમેરિકાએ કાબુલ એરપોર્ટ પોતાના કબ્જામાં લીધુ છે અને ૬૦૦૦ સૈનિકો ઉતારવાની તૈયારીમાં છે.
ભારત સરકાર અલર્ટ છે અને હાલાત પર બાજ નજર રાખી રહી છે. ભારત સરકારે કાબુલથી લોકોને બહાર કાઢવા માટે એર ઈન્ડિયાના ૨ વિમાન તૈયાર રાખ્યા છે. અફઘાન મીડિયાના રિપોર્ટ મુજબ કાબુલ એરપોર્ટ પર અફઘાન જનતાની ભીડને અમેરિકી હેલિકોપ્ટરો અને વિમાનથી દૂર કરવા માટે આજે સવારે પણ અમેરિકી સૈનિકોએ હવામાં ફાયરિંગ કર્યું. ગઈ કાલે રાતે પણ અનેકવાર કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભીડને દૂર રાખવા માટે અમેરિકી સેનાએ હવામાં ફાયરિંગ કર્યું હતું.
કાબુલમાં અમેરિકી દૂતાવાસ પાસે બે મોટા ધડાકા થયાના રિપોર્ટ્સ છે. આ ધડાકામાં કોઈના ઘાયલ કે માર્યા ગયા હોવાની હજુ સુધી જાણકારી મળી નથી. અમેરિકાએ પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળો પર છૂપાઈ જવાનું કહ્યું છે. આ સાથે જ કાબુલ એરપોર્ટ બહાર પણ ફાયરિંગ થયું છે. જેના કારણે એરપોર્ટ પર આગ લાગી ગઈ.
ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ છે. લોકો જીવ બચાવવા માટે આમથી તેમ ભાગી રહ્યા છે. આ ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. કાબુલ એરપોર્ટથી જે વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે તેમાં સ્થિતિ ખુબ ભયાનક જાેવા મળી રહી છે. એરપોર્ટ પર બસ સ્ટેન્ડ જેવો નજારો જાેવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પહોંચી રહ્યા છે. એરપોર્ટ પર સુરક્ષા જેવું કશું નથી. અનેક એવા વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ બહાર ફાયરિંગ થયું છે. કાબુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની આયેશા અહેમદીએ એક વીડિયો શેર કરીને કહ્યું કે એરપોર્ટ બહાર ફાયરિંગ થઈ રહ્યું છે.
અમેરિકા પોતાના લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં લાગ્યું છે. કાબુલ એરપોર્ટ પર હાલાત બગડતા જાેતા અમેરિકાએ એરપોર્ટને પોતાના કબ્જામાં લીધુ છે. અમેરિકી વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલયના હવાલે જણાવવામાં આવી રહ્યું છે કે કાબુલમાં હામિદ કરઝઈ એરપોર્ટને સુરક્ષિત કરવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. અમેરિકા સંપૂર્ણ રીતે એર ટ્રાફિક કંટ્રોલને સંભાળશે. સિક્યુરિટીનો વિસ્તાર કરતા ૬૦૦૦ સૈનિકો ત્યાં ઉતારવામાં આવી રહ્યા છે. રેસ્ક્યૂ મિશન ચાલુ છે. તાલિબાને બગરામ એરબેસ ઉપર પણ પોતાનો કબ્જાે જમાવી લીધો છે. કહેવાય છે કે આ એરબેસની સુરક્ષામાં તૈનાત અફઘાન સેનાએ તાલિબાની આતંકીઓ સામે સરન્ડર કરી દીધુ છે. આ એરબેસ પર મોટી સંખ્યામાં કેદીઓ પણ રાખવામાં આવ્યા છે. એક સમયે આ એરબેસ અફઘાનિસ્તાનમાં અમેરિકાનું સૌથી મોટું સૈનિક ઠેકાણું હતું. અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનનું રાજ આવી ગયુ છે. રાષ્ટ્રપતિ ભવન ઉપર પણ તાલિબાને કબ્જાે જમાવી લીધો છે. રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાનના આતંકીઓની કબ્જાની પહેલી તસવીર પણ સામે આવી છે.HS