ગોળી વાગ્યા બાદ પણ કમાન્ડો આતંકીઓ પર કાળ બની તૂટ્યો
ગરુડ સ્પેશિયલ ફોર્સના જવાનોએ શનિવારે પુલવામામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી
(એજન્સી)નવી દિલ્હી, ભારતીય સેનાના નેતૃત્વમાં ગરુડ સ્પેશિયલ ફોર્સના જવાનોએ શનિવારે પુલવામામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. પુલવામા એન્કાઉન્ટર દરમિયાન સ્પેશિયલ ફોર્સના અધિકારીને બે વખત ગોળી વાગી હતી પરંતુ તેમ છતાં તેણે આતંકીઓ પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો.
ગરુડ કમાન્ડો ચાર વર્ષ પહેલા એક મોટા ઓપરેશન માટે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓએ ૨૦૧૭માં બે મોટા ઓપરેશનમાં આઠ આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે પુલવામા ઓપરેશન માટે સેનાની ૫૫ રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મૂ-કાશ્મીર પોલીસ સહિત સુરક્ષા દળોએ શનિવારે સાંજે લગભગ ૭ વાગ્યે પુલવામા વિસ્તારના નાયરા ગામમાં ઘેરાબંધી અને સર્ચ અભિયાન હાથ ધર્યું હતું. થોડા સમય બાદ સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતીના આધારે સેનાએ એક ઘરની અંદર આતંકવાદીઓની હાજરી શોધી કાઢી હતી.
સુરક્ષા દળોએ તરત જ ઘર અને તેની આસપાસ રહેતા નાગરિકોને બહાર કાઢ્યા હતા અને ખાતરી કરી કે તેમને સલામત અંતર પર મોકલવામાં આવ્યા છે જેથી કોઈ નાગરિકને નુકસાન ન થાય.
સુરક્ષા દળોએ ઘરની ઘેરાબંધી કરતા આતંકવાદીઓને સ્થળ પરથી ભાગી જવા માટે ગોળીબાર કરવાની ફરજ પડી હતી. જ્યારે આતંકવાદીઓ ભારે ગોળીબારના કવર હેઠળ કોર્ડન તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ આર્મી અને ગરુડ સ્પેશિયલ ફોર્સના જવાનોના સીધા ગોળીબારમાં આવ્યા હતા.
જેના પરિણામે બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે આ કાર્યવાહીમાં ગરુડ સ્પેશિયલ ફોર્સના સ્ક્વોડ્રન લીડર સંદીપ ઝાંઝરિયાને છાતી અને ડાબા હાથમાં બે ગોળી વાગી હતી. સૂત્રોએ જણાવ્યું કે ઘાયલ થવા છતાં ગરુડ ફોર્સના જવાન ત્યાં સુધી આતંકવાદીઓ સા સામે ગોળીબાર કરતો રહ્યો જ્યાં સુધી ભાગી રહેલા ત્રણ આતંકવાદીઓનો ખાત્મો ન થયો.
તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે સૈનિકો ત્રણેયને ખતમ કર્યા પછી ઘરમાં વધુ આતંકીઓને શોધી રહ્યા હતા ત્યારે ત્યાં છુપાયેલો એક આતંકવાદી બહાર આવ્યો અને તેણે ગરુડ સૈનિકોની પાર્ટી પર ફાયરિંગ શરૂ કર્યું હતુ. જેમાં કોર્પોરલ આનંદને એક ગોળી વાગી હતી. જે બાદ ચોથો આતંકવાદીનો પણ તરત જ ખાત્મો બોલાવી દેવાયો હતો.
ગરુડ સ્પેશ્યલ ફોર્સને ખરાખરીની લડાઇમાં અનુભવ મેળવવામાં મદદ કરવા માટે આર્મી હેડક્વાર્ટરે તેમને રાષ્ટ્રીય રાઇફલ્સ સાથે જાેડી દીધા છે. જે દરરોજ આતંકવાદી વિરોધી અભિયાન હાથ ધરે છે. હાજિનમાં ૨૦૧૭ના ઓપરેશનમાં ગરુડ સ્પેશ્યલ ફોર્શ ૧૩ રાષ્ટ્રીય રાઇફલ્સનો ભાગ હતી, જ્યારે તે શનિવારે પુલવામામાં એન્કાઉન્ટરમાં ૫૫ રાષ્ટ્રીય રાઇફલ્સ સાથે હતી.