ગોવાલી ગ્રામ પંચાયત દ્વારા બાંધકામની પરવાનગી રદ્દ કરવા છતાં કંપનીમાં કામ ચાલુ રખાતા નોટિસ
એનએના હુકમની શરત ભંગ કરતા ગોવાલી ગ્રામ પંચાયતે બાંધકામ પરવાનગી રદ્દ કરી હતી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ,ઝઘડિયા તાલુકાના ગોવાલી ગ્રામ પંચાયતની હદ માં આવતી બોરોસિલ રિન્યુએબલ કંપનીમાં હાલ નવું બાંધકામ ચાલી રહ્યું છે.જે કામ માટે ગોવાલી ગ્રામ પંચાયત દ્વારા બાંધકામની પરવાનગી રદ કરવામાં આવી હોવા છતાં કંપની દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવતા પંચાયત દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ,તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા આયોજન અધિકારીને લેખિતમાં બાંધકામ રોકવા માટે ફરિયાદ કરવામાં આવી છે.
ઝઘડિયાની બોરોસિલ કંપનીનો વિવાદ હાલ વકરતો જાય છે.કંપનીમાં નવા બાંધકામ મુદ્દે કંપની દ્વારા પંચાયત પાસે પરવાનગી માગવામાં આવી હતી પરંતુ ગોવાલી ગ્રામ પંચાયત દ્વારા કંપનીને એના હુકમની શરત ભંગ કરી હોય સદર નવું બાંધકામ કરવાની પરવાનગી રદ કરવામાં આવી હતી. પંચાયત દ્વારા બાંધકામની પરવાનગી રદ કરવા અંગે કંપનીને લેખિતમાં નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતા કંપની દ્વારા પંચાયતની નોટીશની અવગણના કરી નોટિસનો અનાદર કરી નવું બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું છે.
જે અંગે ગોવાલી ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી દ્વારા ગત ૨૯મી જૂનના રોજ કંપનીમાં સ્થળ તપાસ કરતા નવું બાંધકામ કંપની દ્વારા ચાલુ રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું, જે બાદ પંચાયત દ્વારા નવા બાંધકામની વિડીયોગ્રાફી તેમજ ફોટા પણ પાડવામાં આવ્યા હતા.ત્યાર બાદ પણ ગ્રામ પંચાયતે કંપનીને બાંધકામ અટકાવવા માટે નોટિસ આપી હતી
તેમ છતાં કંપની દ્વારા બાંધકામ ચાલુ રખાતા પંચાયત દ્વારા ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ,તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા આયોજન અધિકારીને કંપની દ્વારા એના શરત ભંગ કરી તેમજ પંચાયતની નોટિસનો અનાદર કરી બાંધકામ ચાલુ રખાય અંગેની લેખિત ફરિયાદ કરવામાં આવી છે,સાથે સાથે કંપની દ્વારા નવા કરાયેલા બાંધકામને પણ ગેરકાયદેસર જણાવી તેને તોડી પાડવા માટેની અપીલ કરવામાં આવી છે.