ગૌણ સેવાનું પેપર ફૂટ્યાનું સરકારે સ્વીકાર્યું, છ જબ્બે
ગાંધીનગર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મુદ્દે આખરે સરકારે પેપર ફૂટ્યાનું સ્વીકાર્યું છે અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસાઓ કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, ‘પહેલા ક્યારેય પગલાં નહીં લેવાયા તેવા પગલાં આ કેસમાં લેવામાં આવશે.
ગુનેગારને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં ફરી કોઈ આવું કરવાની હિંમત નહીં કરે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પેપર લીક કેસમાં અત્યાર સુધી ૬ લોકોની ધરપકડ કરી છે. આ મામલે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસે ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦ મુજબ ગુનો દાખલ કર્યો છે, અને આગામી સમયમાં વધુ કલમો ઉમેરવામાં આવશે. કેસમાં હજી ૪ આરોપી ફરાર છે અને જલ્દીથી તેમની પણ ધરપકડ કરવામાં આવશે.
હાલ કેસની તપાસ ચાલી રહી છે અને આ અંગે વધુ માહિતી આપવામાં આવશે. તેમજ કેસના મૂળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે ર્નિણય લેવાશે. ગૃહ રાજ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, મામલો સામે આવ્યા બાદ ૩ દિવસ સુધી સતત તપાસ ચાલી હતી. જેમાં સામે આવ્યું હતું કે, એક જ જિલ્લામાં ૩ ગ્રુપમાં પેપર સોલ્વ કરવામાં આવ્યા હતા. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું હતું અને પહેલા જ દિવસે ૬ લોકોને પકડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો સાથે હવે ફરિયાદ નોંધવામાં છે.
કેસના મૂળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાતિંજના ઉંછાના ફાર્મહાઉસથી પેપર લીક કરીને ચાર લાખથી ૧૪ લાખ રૂપિયા સુધીની સોદાબાજી કરવાના ષડયંત્રમાં સાબરકાંઠા સ્થિત ભાજપના રાજકીય માથા સહિતના બે ડોક્ટર, એક ફાઈનાન્સર, બે શિક્ષક સહિતના લોકોની સંડોવણી સામે આવી છે. સમગ્ર મામલે હર્ષ સંધવીએ મીડિયાને વધુમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી પેપરલીકનો મામલો સામે આવ્યો હતો. મામલો સામે આવતાં જ તાત્કાલિક તપાસના આદેશ અપાયા હતાં.પેપરલીકમાં સંડોવાયેલા શંકાસ્પદો છટકી ના જાય તે માટે પોલીસ એલર્ટ હતી.SSS