“ગ્રંથમંદિર (Library) – સાઠંબા” દ્વારા રવિવાર 01 ઓગસ્ટે “આક્રુંદ – સંદેશ લાયબ્રેરી”ની શૈક્ષણિક ટ્રીપનું આયોજન
“મૂળ નગરજન સમિતિ – સાઠંબા” અને “માતૃભાષા અભિયાન ટ્રસ્ટ – અમદાવાદ” સંચાલિત “ગ્રંથમંદિર (Library) – સાઠંબા” દ્વારા આયોજિત શૈક્ષણિક ટ્રીપમાં, સાઠંબાના ૨૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
મોબાઈલના ઝડપી યુગમાં બાળકો વાંચનથી વિમુખ થઈ રહ્યા છે, તેવામાં “સાઠંબા ગ્રંથમંદિર” દ્વારા સરાહનીય પગલું લઈ તેમના રેગ્યુલર બાળ વાચકોને વિનામૂલ્યે આધુનિક “સંદેશ લાયબ્રેરી”ની મુલાકાત કરાવી હતી. ટુરનો સમગ્ર ખર્ચ લાઇબ્રેરીએ વહન કર્યો છે.
આકરૂંદના સ્થાનિક શિક્ષક અને લાઇબ્રેરીના સંચાલકશ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા માહિતી મળી હતી. ૮૦ લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલી આકરુંદ લાઇબ્રેરીના વિચારથી માંડીને ઉદઘાટન સુધીની યાત્રા દૃશ્ય શ્રાવ્ય માધ્યમથી બાળ વાચકોને સમજાવવામાં આવી હતી.
સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે જિજ્ઞાસુ બાળકોએ અનેક સવાલોનો મારો ચલાવ્યો હતો જેનો સવિસ્તર ઉત્તર તેમણે આપ્યા હતા.
સાચા અર્થમાં સાઠંબા ગામના બાળકો માટે જ્ઞાનવર્ધક અને બિલકુલ નવા અનુભવ સાથેની આ ટ્રીપ હતી. સમગ્ર આયોજન સાઠંબા ગ્રંથમંદિરના સ્વયંસેવક જીગરભાઈ શાહ, અલ્પેશભાઈ સોની અને અન્ય મિત્રોએ કરેલ હતું. સાઠંબા ગામના શ્રેષ્ઠીઓએ ગ્રંથમંદિર સાઠંબાની પ્રવૃત્તિઓને બિરદાવી છે, જેણે ગામના બાળ વાચકોમાં નવી ઊર્જા અને વૈચારિક ભાથાનો ઉમેરો કર્યો છે.