ગ્રામજનોએ એકત્ર કરેલ ૧ લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ

મોરબી તા.૧૧-એપ્રિલ, કોરોના મહામારી સામે જંગ લડવા સરકારને આર્થિક સહાયનો ધોધ વરસી રહ્યો છે મોરબી જીલ્લામાંથી નાગરિકો આર્થિક મદદ કરીને કોરોના સામેના જંગમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે જેમાં છતર ગામના સરપંચ દ્વારા એક લાખની રકમ અર્પણ કરવામાં આવી છે.
કોરોના સામેના જંગમાં સરકારને આર્થિક મદદ કરવાના હેતુથી ટંકારાના છતર ગ્રામજનો દ્વારા ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો અને ગ્રામજનોએ એક લાખની રકમ એકત્ર કરી હોય જે મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવાનો નિર્ણય કરાયો હતો.
જેને પગલે એકત્ર કરેલ રકમ છતરના મહિલા સરપંચ શારદાબેન અગ્રાવત, અગ્રણી ચીમનભાઈ અગ્રાવત તથા તલાટી મંત્રી દિલીપભાઈ પાલરીયા દ્વારા રૂપિયા એક લાખનો ચેક મોરબી જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાને અર્પણ કરવામાં આવ્યો છે.