ગ્રામીણસ્તરે મૂળભૂત સુવિધાઓ પુરી પાડવા સરકાર કટીબધ્ધ : સહકાર રાજ્ય મંત્રી

ભરૂચ: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા ખાતે સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે રૂ..૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર કોસંબા-હાંસોટને જોડતાં ૧૮ કિ.મી. લાંબા રોડને ૧૦ મીટર પહોળો કરવાના રસ્તાનું ખાતમુહૂર્ત થયું હતું. આ માર્ગ ઉપર ૨૦ જેટલા નવા કલવર્ટ બોક્ષ બનાવી જુના પાઈપ ડ્રેઈનને દુઅર કરવામાં પણ આવશે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન, નગર પાલિકાના ઉપપ્રમુખ નિલેશભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જયરામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કોસંબા-હાંસોટ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસની સાથે સાથે સમાજના છેવાડાના લોકોના વિકાસની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. ગામડાઓમાં પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. હયાત રસ્તાઓની સુધારણા, મજબૂત અને ટકાઉ બનાવવાની કામગીરી કરવાની ગુજરાત સરકારની નેમ છે.
ગ્રામીણસ્તરે મૂળભૂત સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકાર કટીબધ્ધ હોવાનું જણાવી ગામડાઓમાં આંતરિક રસ્તા,ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી,હેન્ડપંપ,પીવાના પાણીની વ્યવસ્થા જેવી જરૂરી સુવિધાઓ પુરી પાડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે.ગ્રામ્ય રસ્તા સારા બને અને સુવિધાવાળા બને તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અવર-જવરની સુવિધા સરળ બને છે અને આર્થિક સધ્ધરતા મજબૂત બને છે.છેવાડાના માનવીના વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે અનેકવિધ વિકાસકામો હાથ ધર્યા ચે તેમ જણાવી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અગ્રણી ગજેન્દ્રભાઈ પટેલ,ગામના સરપંચ સહિત ગામ આગેવાનો,પદાધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.